મોરબીઃ મોરબી દુર્ઘટનામાં પોલીસ ફરિયાદ પછી ધરપકડનો દૌર શરૂ થયો અને તેમાં 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે કોર્ટમાં ઘટનાના 4 આરોપીઓને રજુ કરવામમાં આવ્યા હતા. ઓરેવા કંપનીના બંને મેનેજર એવા દિનેશ દવે અને દીપક પારેખના ફર્ધર 5 રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જે કોર્ટે ફગાવી નાખી તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
ADVERTISEMENT
5 દિવસના વધુ રિમાન્ડ માગવા કરી અરજી
મોરબીની ઘટનામાં સરકારી આંકડા મુજબ 135 લોકોના મોત થયા છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ અને તપાસનો દૌર ચાલુ છે. કંપનીના માલિક જયસુખ પટેલ હજુ પોલીસના હાથમાં આવ્યા નથી. જોકે પોલીસે આ કેસમાં કંપનીના મેનેજરથી લઈને સિક્યુરિટી ગાર્ડ સુધીના 9 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. બાદમાં તેમને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ માગ્યા હતા. કોર્ટની કાર્યવાહીઓ દરમિયાન હવે આજે શનિવારે સરકારી વકીલ હરસેન્દુ પંચાલ દ્વારા કોર્ટ પાસેથી આ કેસના આરોપી દીપક પારેખ અને દિનેશ દવેના પાંચ દિવસના વધુ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. તેમણે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી કે આ ઘટનાના કેટલાક દસ્તાવેજો કબ્જે કરવાના છે ઉપરાંત મોરબી કલેક્ટર, મોરબી નગર પાલિકા તરફથીના ડોક્યુમેન્ટ આરોપીને સાથે રાખીને ક્રોસ વેરિફિકેશન કરવાની સાથે સાથે પુલના રિપેરિંગ માટે વખતો વખત જે મિટિંગ્સ થઈ હતી તે બાબતે પુછપરછ કરવામાં તે આરોપીઓની જરૂર છે.
આરોપીઓના વકીલની દલીલ
આ તરફ આરોપીઓના વકીલ ડી પી શુક્લા દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, પોલીસ દ્વારા રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા મુદ્દાઓ રિપીટ થાય છે અને પોલીસ જે જે પણ દસ્તાવેજો માગવા અને તપાસ માટેની વાત કરે છે તે સરકારી કચેરીમાંથી મેળવવાના છે તેના માટે અમારા અસીલની હાજરી હોવી જરૂરી નથી. રિમાન્ડની માગણી બિન જરુરી છે બંને પક્ષની દલીલ આધારે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એમ જે ખાન દ્વારા રિમાન્ડની અરજી ફગાવી દેવાઈ હતી. આ સાથે જ આ કેસના પકડાયેલા તમામ આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી સોંપવામાં આવી હતી.
(વીથ ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT