મોરબીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જાણે લડાઈ હતી તેવું પરિણામો આવતા જણાયું છે. કોંગ્રેસે હતું તેના કરતાં વધુ ગુમાવવાનું થયું છે. ગુજરાતના ઈતિહાસમાં લગભગ આવું પહેલી વખત થયું છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની એટલી પણ બેઠક નથી કે તે વિપક્ષ તરીકે વિધાનસભામાં બેસી શકે. વિપક્ષમાં બેસવા નીયમ પ્રમાણે 10 ટકા બેઠક મેળવવી અનિવાર્ય છે. જોકે હમણાં જ જ્યાં મોરબીમાં ઝુલતો પુલ પડ્યો અને 135 લોકોના મોત થયા તે મોરબીની ત્રણે બેઠકો પર નારાજગી જોવા મળશે તેવું વિશ્લેષકો માનતા હતા પરંતુ અહીં છતા પણ ભાજપની ઈમારત અડીખમ રહી છે. તો આવો જાણીએ મોરબીની ત્રણે બેઠકો પર કોને કેટલા મત મળ્યા છે. કારણ કે આપ અને કોંગ્રેસના મતોના સરવાળા કાંઈક અલગ જ ચિત્ર દર્શાવે છે.
ADVERTISEMENT
મોરબી બેઠકઃ મોરબી બેઠક પરથી ભાજપે કાંતિ અમૃતિયાને ઉતાર્યા હતા જેમને 1.1 લાખથી વધારે મત મળ્યા છે, કોંગ્રેસે જયંતિલાલ પટેલને ઉતાર્યા હતા જેમને 50 હજાર કરતાં વધારે મત મેળવ્યા છે અને આ તરફ આમ આદમી પાર્ટીએ અહીં પંકજ રણાસરિયાને ઉતાર્યા હતા જેમણે 16000 કરતાં વધુ મત મેળવ્યા છે. મતલબ કે અહીં ભાજપની સામે પડેલા મતોના સરવાડે પણ ભાજપના કાંતિ અમૃતિયાના મતો સુધી પહોંચી શકાય તેમ નથી, મતલબ કે અહીં પૂર્ણતઃ કાંતિ અમૃતિયાને જનતાનો આશિર્વાદ મળ્યો છે. જ્યારે ઝુલતા પુલની ઘટના બની તે પછી એવું માનવામાં આવતું હતું કે જનતા માટે અસમંજસની સ્થિતિ છે, કારણ કે પુલ તૂટવાની નારાજગી વ્યક્ત કરી ભાજપ સામે રોષ રાખવો કે પછી પોતાના સ્વજનોને બચાવનારા કાંતિ અમૃતિયાનો આભાર માનવો. હવે સ્પષ્ટ થયું છે કે જનતાએ કાંતિ અમૃતિયાના કામ જોઈને તેમને પૂર્ણતઃ સ્વિકાર્યા છે. આ બેઠક પર નોટામાં 1100થી વધારે મત પડ્યા છે.
ટંકારા બેઠકઃ ટંકારા બેઠક પર પણ કમળ ખીલ્યું છે, અહીંથી ભાજપે દુર્લભજી દેથરિયાને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા જેઓને 80 હજાર મતો મળ્યા છે, કોંગ્રેસ અહીં પોતાના સિટિંગ ધારાસભ્ય લલિત કગથરા પર વિશ્વાસ મુક્યો હતો જેમને 70 હજારથી વધુ મત મળ્યા છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ અહીંથી સંજય પટેલને ચૂંટણી લડાવી હતી જેમને 17 હજાર કરતાં વધારે મત મળ્યા છે. આમ તો જોવા જઈએ તો ભાજપને અહીં લીડથી ચૂંટવામાં આવી છે, પરંતુ હાલ એક ધારણા પ્રમાણે ભાજપથી વિરુદ્ધમાં જે મતદાન થયું તે એવું માનીએ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં થયું હતું તો આ બંનેના સરવાડા માંડવામાં આવે તો તે ભાજપના ઉમેદવારને ટપાવી આગળ વધી જાય છે. મતલબ કે અહીં પણ આપ-કોંગ્રેસની ફાઈટમાં ભાજપને બાઈટ મળી ગયું છે.
વાંકાનેર બેઠકઃ વાંકાનેર વિધાનસભા પર ભાજપે આ વખતે જીતેન્દ્ર સોમાણીને ઉતાર્યા હતા જેમને 76000થી વધારે મત મળ્યા છે, સામે કોંગ્રેસે મહોમદજાવેદ પીરઝાદાને ઉતાર્યા હતા જેમણે 59000થી વધારે મત મેળવ્યા છે. આ પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા વિક્રમ સોરાણી કે જેમને 52000 મત મળ્યા છે. જોકે ભાજપ અહીં સ્પષ્ટ જીતમાં દેખાઈ રહ્યું છે પરંતુ આ તરફ ભાજપ વિરુદ્ધમાં જેટલા વોટ પડ્યા તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. મતલબ કે જો બંને પાર્ટીઓના સરવાડા કરીએ તો મતો 1 લાખ કરતા પણ વધી જાય છે. તેનું તારણ શું કરી શકાય તે તમે વધારે જાણો છો.
ADVERTISEMENT