મોરબીઃ મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો બ્રીજ તૂટી ગયો અને 135 જેટલા લોકોએ તે ઘટામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને લઈને લગભગ અહીં દરેક દીલ રડી રહ્યું છે અને દરેક વ્યક્તિ જેટલી શક્ય બને તેટલી મદદ માટે આવી રહ્યું છે. આ સંજોગોમાં પોતાના માતા પિતાની છત્ર છાયા ગુમાવનારી એ દીકરીના શબ્દો રડાવી દેનારા છે. આ ઘટનામાં ઘણા પરિવારો વિખેરાઈ ગયા. લોકોના કલ્પાતથી સરકારના પણ પાયા હલી ગયા તેવી આ કરુણાંતિકા સર્જાઈ હતી. માનવસર્જીત આ ઘટનાને કારણે પોતાના સ્વજન ગુમાવનારી એક દીકરી આ ઘટનામાંથી જીવતી તો આવી પરંતુ ત્યાં તેનું ઘણું બધુ છૂટી ગયું છે. આવો જાણીએ તેણે શું કહ્યું.
ADVERTISEMENT
7 વર્ષની હર્ષીએ કહ્યું- બહુ બીક લાગતી હતી
અમદાવાદની 7 વર્ષની હર્ષી પણ ત્યાં હતી. દિવાળીનું વેકેશન હતું તેથી તે માતા-પિતા સાથે કચ્છ-ભુજ અને મોરબીના પ્રવાસે ગયા હતા. તેના પિતા અશોકભાઈ અને માતા ભાવનાબેન તેની સાથે હતા ત્યારે આ ઘટના બની હતી. જોકે અશોકભાઈ અને ભાવનાબેન હવે આ દુનિયામાં નથી રહ્યા. આમ તો હજુ તેની નાની ઉંમરને કારણે સામાન્ય સમજુ એવી આ દીકરીએ પોતાના માતા-પિતાને આ ઘટનામાં ગુમાવ્યા છે. તેના જ શબ્દોમાં જાણીએ તો તે કહે છે કે, હું અને મારા મમ્મી તથા પપ્પા, દીદી ભાઈ બધા પુલ પર હતા અને પુલ તૂટ્યો. પુલમાંથી અમે નીચે પડ્યા ત્યારે મેં જાળી પકડી લીધી હતી. બહુ બીક લાગતી હતી. મેં જાળી પકડી રાખી હતી એટલે તે વખતે બચાવવા આવેલા પોલીસ વાળા અંકલે મને બચાવી લીધી.
તપાસ રિપોર્ટની રાહ
ઉલ્લેખનીય છે કે આવા ઘણા પરિવારો છે જેમણે અહીં પોતાનું સંતાન, માતા, પિતા, ભાઈ, ભાભી સહિત ઘણા સ્વજનોને ગુમાવ્યા છે. જેમના પરિવારને પણ આ અચાનક બનેલી આઘાતજનક ઘટનાએ રડતા કરી દીધા છે. જોકે આ સમગ્ર ઘટના કેમ બની તેની પાછળ કયા કારણો હતા તે તમામ તત્થ્યો હાલ સરકારે નીમેલી તપાસ સમિતિના સભ્યો તપાસી રહ્યા છે. જોકે આ સમિતિની તપાસમાં કયા કયા શખ્સો સામે કાયદા પ્રમાણે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT