Morbi Fake Toll Plaza: થોડા દિવસો પહેલા જ મોરબીના વાંકાનેરમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકું ચાલતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. ટોલ ટેક્સની બાજુમાં બંધ ફેક્ટરીમાં રસ્તો બનાવી વાહન ચાલકો પાસેથી 50થી 200 રૂપિયા લેવાતા હતા. જે બાદ પોલીસ અને અધિકારીઓ દોડતા થયા હતા અને સમગ્ર મામલે ભાજપના અગ્રણી સહીતના લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ઘટના સામે આવી તેને 8થી વધુ દિવસ વીતી જવા છતાં હજુ સુધી કોઈ આરોપી પકડાયા નથી. બીજી તરફ આરોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં કરાયેલી અરજી પણ કોર્ટે રદ કરી નાખી છે.
ADVERTISEMENT
ભાજપ અગ્રણીએ કરી હતી આગોતરા જામીન માટે અરજી
વાંકાનેરના બોગસ ટોલનાકા સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ ઝાલા, પાટીદાર આગેવાન જેરામ પટેલના દીકરા અમરશી પટેલ, રવિરાજસિંહ ઝાલા સહિતના લોકો સામે ગુનો નોંધ્યો હતો. ખાસ વાત એ છે કે મામલો સામે આવ્યો તેને 8થી પણ વધુ દિવસો વીતી ગયા છે, તેમ છતાં હજુ સુધી એક પણ આરોપીને પોલીસ પકડી શકી નથી. બીજી તરફ આરોપીઓ જેલ જવાથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી રહ્યા છે.
ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલા દ્વારા મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરાઈ હતી. જોકે બંને આરોપીઓની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે રદ કરી દીધી હતી.
શું હતો સમગ્ર મામલો?
મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકું ચાલતું હોવાના આરોપ સાથે વીડિયો વાઈરલ થયો હતો. વઘાસિયા ટોલ પ્લાઝા પર નિયમ મુજબ ટોલ ટેક્સ વસૂલાય છે, પરંતુ વાહન ચાલકોને આ ટેક્સ મોંઘો પડતો હોવાથી બાજુમાં જ બાયપાસ બનાવીને બંધ સીરામીક ફેક્ટરીને ભાડે રાખીને નકલી ટોલનાકું ઊભું કરી નાખવામાં આવ્યું. દોઢ વર્ષથી વાહન ચાલકો પાસેથી કરોડોની ઉઘરાણી કરવામાં આવતી હતી. જેમાં ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100 અને મોટા ટ્રકના 200 રૂપિયા વસૂલાતા હતા. આ મામલે વઘાસિયા ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા સિરામિક યુનિટના માલિકોને નોટિસ મોકલવામાં આવી હતી. છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા.
(ઈનપુટ: રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT