એડવોકેટ મનીષ ઓઝા મારફતે કરાઈ હતી જામીન અરજી
મોરબીમાં અનુ.જાતિના યુવાનને ઢોર માર મારી પગરખું મોઢામાં લેવડાવવાના કેસમાં આરોપીઓ પૈકી મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં એડવોકેટ મનીષ ઓઝા મારફતે રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી. રબી કોર્ટે બંને આરોપીએ કરેલી અરજીને માન્ય રાખતા બંને આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
મોરબીમાં થોડા દિવસ અગાઉ હચમચાવી નાખે એવો બનાવ બન્યો હતો. જેમાં યુવકે પગાર માગતા વિભૂતિ પટેલ સહિત 6 લોકોએ યુવકને બહેરેમીથી ઢોર માર માર્યો હતો. જે બાદ યુવકને શરીરમાં ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તેની ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટીની કલમો હેઠળ રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત 6 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો હતો.
પગાર લેવા પહોંચ્યો હતો ઓફિસે
મોરબીમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં 21 વર્ષનો યુવક 2 ઓક્ટોબર 2023ના રોજ સેલ્સમેન તરીકે 12 હજાર રૂપિયા મહિનેના પગારે નોકરીએ લાગ્યો હતો. જોકે 18 ઓક્ટોબરના રોજ રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલે તેને નોકરીએ ન આવવા માટે કહી દીધું. આથી યુવકે નોકરી બંધ કરી દીધી હતી. કંપનીમાં કર્મચારીઓનો 5 તારીખ પગાર થતો હોય છે, પરંતુ યુવકના ખાતામાં પૈસા ન આવતા તેણે વિભૂતિ પટેલને ફોન કરીને 16 દિવસના બાકી પગારની વાત કરતા વાત ટાળી દીધી હતી. બાદમાં યુવક ઓફિસે પૈસા લેવા પહોચ્યો હતો.
6 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
ત્યારે ઓફિસમાં હાજર લોકોએ યુવકને પટ્ટા તથા લાકડી વડે માર માર્યો હતો અને ધમકી આપી. આટલું જ નહીં યુવકનો માફી માંગતો વીડિયો બનાવ્યો હતો અને ચપ્પલ પણ વિભૂતિ પટેલે ચટાવ્યું હતું. સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક વિભૂતિ પટેલ સહિત 6 જેટલા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હઠળ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટીમો બનાવીને ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ 27 નવેમ્બર 2023એ યુવકને માર મારનાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા હતા. જે બાદ તેમના 1 ડિસેમ્બરે રિમાન્ડ પૂર્ણ થતાં જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT