Jaysukh Patel News: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ 14 મહિને જયસુખ પટેલ જેલમાંથી બહાર નીકળશે. જોકે, જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કરાયા છે. જામીનની શરતો મોરબીની કોર્ટ નક્કી કરશે. આપને જણાવીએ કે, ઝુલતા પુલના સંચાલન અને સમારકામની જવાબદારી ઓરેવા કંપની હસ્તક હતી અને સમારકામ વિના જ થીગડાં મારી બ્રિજ ખુલ્લો મુકી દેવાયો હતો, જેને લઈ બ્રિજ તુટતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે શરતી જામીન કર્યા મંજૂર
મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ લાંબા સમયથી જેલમાં બંધ છે. તેમણે જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે 14 મહિનાથી જેલમાં બંધ જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ જમા કરાવવા સહિતની શરતે જામીન મંજૂર કર્યા છે.
અત્યાર સુધીમાં 6 આરોપીઓ મળી ચૂક્યા છે જામીન
મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેએ કોર્ટને શરતી જામીન પર મુક્ત કર્યા છે. રાજકોટ અને મોરબીમાં તેમને ન પ્રવેશવાની શરતે જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ જેમાં 3 સુરક્ષા કર્મચારી, 2 ક્લાર્ક, 1 મેનેજરનો સમાવેશ થાય છે.
શું હતી મોરબી બ્રિજ દુર્ઘટના?
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીની મચ્છુ નદી પર રાજાશાહી કાલીન એક ઝુલતો બ્રિજ હતો. જેને ઓરેવા કંપની દ્વારા 2 કરોડના ખર્ચે રિનોવેટ કર્યો હતો. સીએફએલ અને LED બલ્બમાં 1 વર્ષની ગેરેંટી આપતી કંપનીએ બનાવેલો પુલ એક જ મહિનો ટક્યો હતો. 26 ઓક્ટોબર, 2022 ના દિવસે મોરબીનો ઝુલતો પુલ ખુલ્લો મુકાયો હતો. જેના પાંચ જ દિવસની અંદર તુટી ગયો હતો. જેમાં 135 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ ઓરેવાના MD જયસુખ પટેલ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. ત્યાર બાદ તપાસમાં આ પુલમાં કેટલો ભ્રષ્ટાચાર થયો તેવા અનેક કૌભાંડોનો પર્દાફાશ થયો હતો.
લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ કર્યું હતું સરેન્ડર
જે બાદ તેણે સરેન્ડર કર્યું હતું અને તેને જેલ હવાલે કરાયો હતો. મોરબી પુલ દુર્ઘટના મામલે ગત 27 જાન્યુઆરી 2023એ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો હતો. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો હતો. પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું હતું.
ADVERTISEMENT