મોરબીના માથે વધુ એક દુર્ઘટનાની લટકતી તલવારઃ જર્જરિત મકાનો મામલે તંત્રની ઉદાસીનતા

રાજેશ આંબલિયા.મોરબીઃ મોરબીએ ઘણી ગોજારી ઘટનાઓના ઘા સહન કર્યા છે, મચ્છુ હોનારત હોય કે ઝુલતા પુલની ઘટના, સમગ્ર દેશ-દુનિયા હચમચી જાય તેવી ઘટનાઓ અહીંના લોકોના…

gujarattak
follow google news

રાજેશ આંબલિયા.મોરબીઃ મોરબીએ ઘણી ગોજારી ઘટનાઓના ઘા સહન કર્યા છે, મચ્છુ હોનારત હોય કે ઝુલતા પુલની ઘટના, સમગ્ર દેશ-દુનિયા હચમચી જાય તેવી ઘટનાઓ અહીંના લોકોના હૃદય પર કાયમી ઘા કરી ગઈ છે. જોકે તંત્રના ભોગે આવી વધુ કોઈ ઘટના લોકોને સહન કરવાની થાય તો? મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રહેવાસીઓ પર મોત ઝળુંબી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જામનગર કે જૂનાગઢમાં જે પરિસ્થિતિ થઈ તેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય તે પહેલા સત્વરે સરકાર કઈ નિર્ણય કરે તેવી રહેવાસીઓ માંગ કરી રહ્યા છે. છેલ્લા 30-35 વર્ષથી રહેતા રહેવાસીઓ પર હાલ તો મોત લટકી રહ્યું હોય તેવા ભયના ઓથાર હેઠળ રહેવા લોકો મજબૂર બન્યા છે. સ્થાનિક તંત્ર અને રાજકીય અગ્રણીઓ ને અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં કોઈ નક્કર કામગીરી થઈ હોય તેવું દેખાતું નથી. જામનગર કે જૂનાગઢ વાળી થશે ત્યાર બાદ જ સરકાર જાગશે કે તેવું થાય તેની રાહ જોઈ રહી હોય તેવું સ્થાનિકો ને લાગી રહ્યું છે.

મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ?

મોરબીમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ ત્રણ માળની બિલ્ડીંગો એટલી હદે જોખમી બની ગઈ છે કે ત્યાં ગમે ત્યારે જૂનાગઢ જેવી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. ત્રણ માળની બિલ્ડીંગો એટલી હદે જર્જરિત બની ગઈ છે કે અહિયાં રહેતા અંદાજીત 500 જેટલા પરિવારો ભયના ઓથાર હેઠળ રહેવા મજબૂર બન્યા છે. આ બિલ્ડીંગો ખરાબ થઈ જતા તેમજ થોડા સમય પહેલા જૂનાગઢ અને જામનગર માં બિલ્ડીંગ પડવાના કારણે લોકોના મોત થતા જર્જરિત બિલ્ડીંગોનો તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. સરકાર કોઈ નિર્ણય કરે ત્યાં સુધીમાં મોટી દુર્ઘટના બની જાય તો જવાબદાર કોણ તેવો સવાલ ઉભો થઈ રહ્યો છે. સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું સરકાર જૂનાગઢ અને જામનગર વાળી થવાની રાહ જોઈ રહી છે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા બુટલેગરનું સાબરમતી જેલમાં હાર્ટ એટેકથી મોત, નાગદાન ગઢવી સામે હતા 150થી વધુ કેસ

સ્થાનિક અશ્વિનભાઈ ભટ્ટ કહે છે કે, મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની સામે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની ત્રણ ત્રણ માળની અનેક ઇમારતો અત્યંત જોખમી બની ગઈ છે. ગમે ત્યારે પડે તેવી અત્યંત જોખમી હાલતમાં છે. ગમે ત્યારે ઘરમાં છતમાંથી પોપડા પડે છે. મોટા ભાગના મકાનો ખખડી ગયેલી હાલતમાં છે. હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ એ આ મામલે અનેક વખત રજૂઆત કરી છે ત્યારે જૂનાગઢ અને જામનગરમાં ઘટેલી ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા ત્રણ માળની ઇમારતોનો સર્વે કરવામાં આવ્યો હતો. પણ હજુ સુધી આ હાઉસિંગ બોર્ડના ત્રણ માળના મકાનો ખાલી કરીને રીનોવેશન કરવા કે નવા બનાવવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 38 વર્ષ પહેલાં આ હાઉસિંગ બોર્ડના મકાનો બનાવવામાં આવ્યા હતા અને 83 જેટલી બિલ્ડીંગોમાં 498 જેટલા મધ્યમ વર્ગીય પરિવારો 32 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. વર્ષ 1991માં નવા હાઉસિંગ બોર્ડના મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવ્યા હતા. ત્યારથી 498 પરિવારો વસવાટ કરી રહ્યા છે.

ખખડધજ હાલત અને કહેવાય છે ન્યુ હાઉસિંગ બોર્ડ… બોલો

મોરબી માર્કેટિંગ યાર્ડ સામે આવેલા હાઉસિંગ બોર્ડના મકાનોને ન્યુ હાઉસિંગ બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ એ એટલું જુનું અને ખખડધજ હાલતમાં છે કે તેને ન્યુ હાઉસિંગ બોર્ડ કહેતા પણ શરમ આવે. અંદાજીત 35 વર્ષ પહેલા બનેલા આ હાઉસિંગ બોર્ડના મકાનો એટલી હદે જર્જરિત થઈ ગયા છે કે એ ક્યારે પડશે તે કહેવું મુશ્કેલ છે. મકાનની અત્યંત ખરાબ હાલતના કારણે જેઓની પાસે સગવડ છે તેઓ મકાન ખાલી કરીને બીજે રહેવા જતા રહ્યા છે પરંતુ આ વિસ્તારમાં રહેતા મોટાભાગના મધ્યમ કક્ષાના પરિવાર રહેતા હોવાથી તેઓ માથે જીવનું જોખમ હોવા છતાં તેઓ જોખમી ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. તમામ રહેવાસીઓ રી ડેવલોપમેન્ટ માટે તૈયારી બતાવી છે પરંતુ હાલ તો ગુજરાત હાઉસિંગ બોર્ડે બિલ્ડીંગ જોખમી હોવાની નોટીસ ચોટાડી પોતાના હાથ અધ્ધર કરી દીધા છે.

    follow whatsapp