મોરબીઃ મોરબીમાં ઝુલતા પુલના તૂટી જવાને કારણે ઘણા લોકો નદીમાં ખાબક્યા અને તેમાંથી ઘણા જીવતા પાછા ન આવ્યા. અત્યાર સુધી એવી વાત સામે આવી હતી કે એક વ્યક્તિ ક્યાં છે તેની કોઈ જાણકારી ન હતી. આ વ્યક્તિની શોધખોળ માટે તંત્રએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે જ્યાં સુધી આ એક વ્યક્તિ પણ મળે નહીં ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે. પોલીસ પણ આ વ્યક્તિની તપાસમાં હતી જે દરમિયાન પોલીસની સામે આવ્યું કે હવે કોઈ વ્યક્તિ ખોવાયેલું નથી.
ADVERTISEMENT
સર્ચ ઓપરેશન કરતી એજન્સીઓ કહેશે ત્યારે જ સર્ચ બંધ થશેઃ કલેક્ટર
મોરબીની ઘટનામાં 135થી વધુ લોકો મોતને ભેટ્યા. પરિવારો વેર વિખેર થયા અને આંસુઓની ધારાઓથી ગુજરાત થરથરી ઉઠ્યું. ચૂંટણી નજીક છે ત્યારે બનેલી આ ઘટનાથી ગાંધીનગર જ નહીં પણ દિલ્હીની ખુરશીના પણ પાયા હલવા લાગ્યા. ઘટનાના 48 કલાક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થળ મુલાકાત અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી આ ઉપરાંત ત્રીજા દિવસે શોક જાહેર કરવામાં આવ્યો. આ દરમિયાન રાહત કાર્યોમાં સતત ખડે પગે રહેલી વિવિધ ટીમનો પણ આભાર માનવો રહ્યો. તંત્રની આ ટીમ વચ્ચે મેસેજ હતો કે એક વ્યક્તિ હજુ મળી રહ્યું નથી. તંત્રએ આ વ્યક્તિની શોધ માટે નદીના ખુણે ખુણા ખુંદી વળવાના શરૂ કર્યા. જોકે રવિવારે બનેલી આ ઘટનાના આટલા સમય પછી પણ વ્યક્તિની કોઈ જાણકારી મળી રહી ન હતી. પોલીસ પણ આ શોધકાર્યમાં જોડાઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આવી કોઈ વ્યક્તિ નથી. મતલબ કે પોલીસ તપાસમાં હવે એક પણ વ્યક્તિ ગુમ નથી. જોકે તપાસ એજન્સીઓએ સર્ચ ઓપરેશન છતાં ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. સર્ચ ઓપરેશન કરતી એજન્સીઓ કહેશે કે હવે સર્ચ ઓપરેશન બંધ કરી દેવું જોઈએ ત્યારે જ સર્ચ ઓપરેશન બંધ થશે તેવું કલેક્ટર જી ટી પંડ્યાના નિવેદનથી સ્પષ્ટ થયું છે.
(વીથ ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT