મોરબી દુર્ઘટનાની અસરઃ અમદાવાદ-ખેડા વચ્ચેના પાલ્લા વૌંઠાના મેળામાં રાઈડ્સ બંધ કરવી પડી

હેતાલી શાહ.નડિયાદઃ સપ્ત નદીના સંગમ સ્થાન એટલે કે ખેડા અને અમદાવાદ એમ બે જિલ્લાની હદમાં વર્ષમાં એક વાર ભરાતો પાલ્લા-વૌઠાનો મેળો. સુપ્રસિદ્ધ ધાર્મિક આ લોકમેળામાં…

gujarattak
follow google news

હેતાલી શાહ.નડિયાદઃ સપ્ત નદીના સંગમ સ્થાન એટલે કે ખેડા અને અમદાવાદ એમ બે જિલ્લાની હદમાં વર્ષમાં એક વાર ભરાતો પાલ્લા-વૌઠાનો મેળો. સુપ્રસિદ્ધ ધાર્મિક આ લોકમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ મેળાનું ખુબજ મહત્વ પણ છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આ મેળાને ગ્રહણ લાગ્યું હતું, તો ચાલુ વર્ષે મોરબી દુર્ઘટનાની અસર આ મેળામાં જોવા મળી છે. આ મેળોમા હવે ઝાંખપ આવી છે. મેળાની તમામ રાઈડ્સ બંધ રહેતા મેળાનો માહોલ જામ્યો નહીં અને મેળા રસીકો નિરાશ થયા છે.

દુર-દુરથી આવેલા લોકો થયા નિરાશ
એક સપ્તાહ પેહલા મોરબીમાં ઝુલતાં પૂલની દૂર્ઘટનાના પગલે સરકાર સતર્ક બન્યું છે અને આવી કોઈ દુર્ઘટના ફરી કોઈ જગ્યાએ ન થાય તેની તકેદારી રાખી રહ્યું છે. એવામાં પાલ્લા- વૌઠાના મેળામાં મોટી દુર્ઘટના ન સર્જાય હેતુથી મેળાની ફરતે આવેલા તમામ નાના મોટા ચગડોળો (રાઈડ્સ) બંધ રહી છે. આ વિવિધ પ્રકારની રાઈડ્સ બંધ રહેતા દુર દુરથી આવેલા મેળા રસીકો નિરાશ થયા છે અને મેળાની મોજ માણ્યા વગર જ પરત ફરવું પડ્યું છે. આમ સતત ત્રીજા વર્ષે પણ મેળાની રંગત અહીયા જામી નથી.

વાયકા પ્રમાણે અહીં નદી કાંઠે આવ્યા હતા પાંડવો
સાત નદીઓના સંગમ કહેવાય તે પાલ્લા-વૌઠાના લોકમેળાનુ પ્રાચિન મહત્વ છે. ખેડા જિલ્લાની હદમાં આવતું માતર તાલુકાનુ છેવાડાનુ ગામ એટલે પાલ્લા અને સામે કાંઠે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનુ વૌઠા ગામ આ બંને વચ્ચે આવેલ નદીકાંઠે દર વર્ષે કારતક સુદ અગીયારસથી પૂનમ સુધી નદીના તટમાં મેળો ભરાય છે.બે ગ્રામ પંચાયત દ્વારા આ લોકમેળાનું આયોજન થાય છે. અહીંયા શેઢી, વાત્રક, સાબરમતી, મેશ્વો સહિતની 7 નદીઓનું પાણી ભેગુ થાય છે. કહેવાય છે કે પાંડવો વિહાર કરતા અહીયા નદી કાંઠે આવ્યા ત્યારે તેમના દ્વારા એક શિવાલય પણ અહી સ્થાપિત કરાયુ હતું. જેના દર્શને આજે પણ ભક્તો આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ મેળાની રોનક ઓછી હતી તો ચાલુ વર્ષે પણ મેળાની રોનક છીનવાઈ ગઈ હોય તેવુ સામે આવ્યુ છે.

80 વિઘામાં પથરાયેલો છે મેળો
આ અંગે પાલ્લા ગામના સરપંચ જોરૂભાઈ ભરવાડે જણાવ્યું કે, “થોડા દિવસો પહેલા મોરબીમાં ઝુલતા પુલની બનેલી ગોઝારી દુર્ઘટનાને પગલે ચગડોળો અને રાઈડસને ચાલુ કરવાની પરમીશન મળી નથી. જોકે મેળાનુ આગોતરુ આયોજન હોવાને કારણે મોરબી દુર્ઘટના પહેલા જ અહીયા ચગડોળો રાઈડ્સ ગોઠવાઈ ગઈ હતી. પરંતુ મોરબી દુર્ઘટના બાદ પરમીશન ન મળતા હાલ ચગડોળ, રઈડસ બંધ છે. મોટાભાગની રાઈડ્સ વૌઠા તરફ વધારે ગોઠવાઈ છે. વધુમાં જણાવ્યું કે પાલ્લા અને વૌઠા બંને ગામોમા થઈને અંદાજીત 80 વિઘામાં પથરાયેલા મેળામા આશરે 1 હજારથી વધુ સ્ટોલ ઉભા છે. આમ 5 દિવસીય ભરાતા આ મેળામાં સતત ત્રીજા વર્ષે પણ ગ્રહણ લાગ્યું છે.”

માત્ર મોરબી ઘટના નહીં ચૂંટણી પણ નડ્યાની ચર્ચા
ઉલ્લેખનીય છે કે, મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં મોટી સંખ્યામા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. એવામાં નદી કાંઢે ભરાતા આ મેળામાં પણ કોઈ દુર્ઘટના ન થાય એનું ધ્યાન હવે તંત્ર એ કરાવ્યું છે. આ મેળો તો દર વર્ષે ભરાય છે. પરંતુ હવે તંત્ર જાગ્યું છે તેવો છુપો રોષ પણ મેળા રસીકોમા જોવા મળી રહ્યો છે. સાથે જ ચર્ચાઓ છે કે માત્ર મોરબીની ઘટના જ નહીં પણ ચૂંટણી મેળાને પણ નડી રહી છે, કારણ કે તંત્ર હાલ કોઈ બીજી ઘટનાનો બોજો માથે મુકવા માગતું નથી, ચૂંટણી પુરી થયા પછી ફરી વાજતે ગાજતે મેળા થશે, તકેદારી લઈ સુરક્ષીત રાઈડ્સ પર ધ્યાન આપી તેને યોજવો જોઈતો હતો પરંતુ હાલ બંધ જ કરી દેવો આ નિર્ણય થોડો વિચારમાં મુકવા પુરતો છે.

    follow whatsapp