Morbi Bridge Incident: મોરબીમાં આવેલ ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 વર્ષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાને 1 વર્ષનો સમય થઈ ગયો. છતાં મૃતકોના પરિજનો હજુ સુધી ન્યાય માટે તરસી રહ્યા છે. અમદાવાદના ગાંધી આશ્રમમાં આજે મૃતકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનારા પરિવારોમાંથી ઘણા લોકો પહોંચ્યા છે.
ADVERTISEMENT
ઝુલતો બ્રિજ તૂટી પડતા 135 પરિવારો વિખેરાયા
મોરબીમાં આજે 30 ઓક્ટોબરની તારીખે જ 1 વર્ષ પહેલા સાંજના સમયે ઝુલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં ત્યાં ફરવા આવેલા બાળકો, વૃદ્ધો, મહિલા સહિત સેંકડો લોકો નદીમાં નીચે ખાબક્યા હતા. જેમાં 135ના મોત થયા હતા. દુર્ઘટનામાં અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તો સરકારે બનાવેલી SIT રિપોર્ટમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ તથા બ્રિજના મેનેજર અને કર્મચારી સહિત 9 આરોપીઓને જવાબદાર દર્શાવાયા છે.
ગાંધી આશ્રમમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન
દુર્ઘટનાના 1 વર્ષ થવા છતાં હજુ સુધી મોરબીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોને ન્યાય મળ્યો નથી. ત્યારે ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન દ્વારા મૃતકોના પરિજનોને સાથે રાખીને ગાંધી આશ્રમમાં સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘટના માટે જવાબદારોને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી છે.
મોરબી દુર્ઘટનામાં મૃતકોને ન્યાય માટે ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન બનાવવામાં આવ્યું છે. આ એસોસિએશનના વકીલ મારફતે ડિસ્ટ્રીક્ટ અને હાઈકોર્ટમાં કાયદાકીય જંગ લડવામાં આવી રહી છે.પીડિત પરિવારો ગાંધી આશ્રમ નજીક મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને ન્યાયની માંગણી સાથે ધરણા પર બેઠા છે.
ADVERTISEMENT