અમદાવાદઃ મનમાં ભારોભાર દુઃખ હોય તો પણ ચહેરા પર પરાણે સ્મિત લઈને ફરતા ચહેરાઓ હાલ વધારે જોવા મળશે તે નક્કી છે. એક સમયે જ્યાં ગુજરાતમાં ભાજપની કોઈ છીંકણી સુંઘતું ન હતું ત્યાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા પડાપડી છે તે આપણે સેન્સ પ્રક્રિયા દરમિયાન જોયું. હાલ ભાજપે વિધાનસભા ચૂંટણી 2022માં પોતાના 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. આ કારણે ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો ઘણા ચહેરા માંડમાંડ સ્મિત ફરકાવતા પણ જોવા મળી રહ્યા છે. જોકે આ થવું સ્વાભાવીક છે કારણ કે બેઠકો કરતાં દાવેદારોની સંખ્યા ઘણી વધારે હતી. હવે હાલ વાત કરીએ તો અમદાવાદમાં જ્યાં ચાલુ ધારાસભ્યો રહી ગયા છે ત્યાં કેટલીક બેઠકો પર પૂર્વ મેયર, તો ચાલુ કોર્પોરેટર ટિકિટ લઈને નાચી રહ્યા છે. આવો ચલો આવી જ બેઠકોની વાત કરીએ.
ADVERTISEMENT
ધારાસભ્ય જગદીશ પટેલના સ્થાને નવો ચહેરો
અમદાવાદમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની નજીકના ગણાતા પ્રદીપ પરમારને ટિકિટ મળી નથી. તેઓ ભુપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રી છે. હવે પ્રદિપસિંહના માનીતા બાપુનગરના કોર્પોરેટર એવા હિન્દીભાષી કોર્પોરેટર તરીકે રહી ચુકેલા દિનેશ કુશવાહા બાપુનગર બેઠક પરથી ટિકિટ લઈ ગયા છે. આ ઉપરાંત અમરાઈવાડી બેઠક પરથી પણ ભાજપે નવા ખેલાડીને ઉતાર્યા છે. આ બેઠક પર ધારાસભ્ય હતા જગદીશ પટેલ, જોકે તેઓને પણ રિપિટ કરવામાં આવ્યા નથી. તો તેમની જગ્યાએ હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદના નરોડા વિસ્તારની વાત કરીએ તો મહિલા તબીબ ડો. પાયલ કુકરાણીને ભાજપે ટિકિટ આપી છે. આ પહેલાના ચાલુ ધારાસભ્યને અહીંથી ભાજપે હટાવ્યા છે. મતલબ કે ચાલુ ધારાસભ્ય બલરામ થવાણીને રિપિટની આશા હતી પરંતુ તેઓને રિપિટ કરાયા નથી. આમ તો આ બેઠક પર છેલ્લા કેટલાક ટર્મથી ધારાસભ્યનો ચહેરો બદલાતો આવ્યો છે.
એલિસબ્રિજમાં ધારાસભ્ય હટ્યા અને પૂર્વ મેયરને ટિકિટ
આ પછી આપમે વાત કરીએ તો અમદાવાદની વેજલપુર બેઠક પર ધારાસભ્ય હતા અમિત ઠાકર અને તેમને રિપિટ કરવામાં આવ્યા છે. તેમને એક તરફ કરીને ભાજપને અહીં કાંઈ ખાસ કરવા કરતાં તેઓ વિદ્યાર્થી નેતાથી કારકીર્દી શરૂ કરી અહીં સુધી પહોંચ્યા છે અને તેમણે ભાજપમાં બહુ મહત્વની ભૂમિકાઓ નિભાવવા બદલ રિપિટ કરવામાં આવ્યા છે. આ તરફ એલિસબ્રિજ બેઠક પર પોતાનો દબદબો બનાવી રાખનારા રાકેશ શાહને આ વખતે પડતા મુકાયા છે. રાકેશ શાહને પણ માંડ માંડ સ્મિત ફરકાવવા જેવી સ્થિતિ છે. કારણ કે અહીં ભાજપના કર્મનિષ્ઠ વ્યક્તિઓમાં નામના ધરાવતા અને પૂર્વ મેયર રહી ચુકેલા અમિત શાહને ઉમેદવારી આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ક્યાંય છબી ન ખરડાય તેનું હંમેશા ધ્યાન રાખીને ચાલેલા અમિત પોપટભાઈ શાહ ભાજપમાં અમદાવાદ શહેર પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.
વલ્લભ કાકડિયાના સ્થાને કંચનબેન રાદડિયા
અમદાવાદની વટવા બેઠક સિવાયની તમામ બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો ઉમેદવાર છે જ પરંતુ અનેય બેઠકોની વાત કરીએ તો અમદાવાદના સૈજપુર બોધા વોર્ડના કોર્પોરેટરની પુત્રીને ટિકિટ આપવામાં આવી છે. ઠક્કરબાપા નગર બેઠક પર દબદબો ધરાવતા ધારાસભ્ય અને રુપાણી સરકારમાં મંત્રી પદ પર રહી ચુકેલા વલ્લભ કાકડિયાએ પહેલા જ પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી દીધી હતી. અહીંથી હવે કંચનબેન રાદડિયા ચૂંટણી લડશે. ભાજપે દરિયાપુર બેઠક પર પણ જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો દબદબો છે ત્યાં કૌશિક જૈનને ટિકિટ આપી છે. ઉપરાંત જમાલપુર બેઠક પર ભુષણ ભટ્ટને ઉતારવામાં આવ્યા છે જ્યાં પણ કોંગ્રેસના 2017ની ચૂંટણીમાં જીતેલા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમના માટે પડકાર છે. ભુષણ ભટ્ટ જમાલપુર વોર્ડના કોર્પોરેટર રહી ચુક્યા છે અને અગાઉ 2012ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. જોકે ગત ટર્મમાં તેઓ હાર્યા હતા પરંતુ આ વખતે ભાજપે તેમને વધુ એક તક આપી છે.
દસક્રોઈમાં બાબુ જમના પટેલ યથાવત પણ…
મણિનગર બેઠક પર બે ટર્મના ધારાસભ્ય સુરેશભાઈ પટેલને એક તરફ કરીને અમુલ ભટ્ટ માટે જગ્યા કરવામાં આવી છે. અમુલ ભટ્ટ વર્ષ 2015થી 20 સુધી કોર્પોરેટર રહી ચુક્યા છે. તેઓ અગાઉ 2018થી 20 દરમિયાન અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તકીરે પણ કામગીરી સંભાળી ચુક્યા છે. આમ દબદબો ધરાવતા ધારાસભ્યની જગ્યા પર કોર્પોરેટરને તક મળતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દસક્રોઈમાં તો બાબુ જમના પટેલને યથાવત રાખવામાં આવ્યા છે. છેલ્લી ઘણી ટર્મથી આ બેઠક પર તેમનો દબદબો રહ્યો છે અને તેમને અહીં રિપિટ કરવામાં આવતા અહીં ખુશીનો માહોલ છે પરંતુ અસારવા બેઠક પરથી દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. અસારવા બેઠક પર અગાઉ પ્રદીપ પરમાર ધારાસભ્ય હતા પરંતુ તેમને હટાવીને પૂર્વ કોર્પોરેટર દર્શનાબેન ટિકિટ લઈ ગયા છે. તેઓ અગાઉ કોર્પોરેટર તરીકે કાર્યભાર સંભાળ્યો હોવા ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયર તરીકે પણ કામગીરી સંભાળી ચુક્યા છે. દાણિલિમડા બેઠકની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસના હાલના ધારાસભ્ય શૈલેષ પરમાર સામે ભાજપે નરેશકુમાર વ્યાસને ટિકિટ આપી છે. આ બેઠકમાં ગત ટર્મની હારને ધ્યાનમાં રાખી વ્યાસને તક આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ક્યાંક ધારાસભ્યોને હટાવી નવા ચહેરાઓને તક મળતા ક્યાંક ખુશીનો માહોલ તો ક્યાંક દુઃખના ડુંગર પડી ગયા હતા. જોકે દુઃખ કોઈ વ્યક્ત કરે તેવી સ્થિતિ પણ નથી કારણ….. આપ જાણો છો.
ADVERTISEMENT