દર્શન ઠક્કર/જામનગર: ગુજરાતના દરિયાકાંઠે આગામી 48 કલાકમાં બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે. વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના તમામ બીચો પર લોકોને ન જવા માટે કહી દેવામાં આવ્યું છે. આ સાથે જ કાંઠાના વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા પણ મંત્રીઓને જુદા જુદા જિલ્લામાં રાહત-બચાવની કામગીરી કરવા આદેશ અપાયા છે. તો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ પોતપોતાના વિસ્તારમાં લોકોની સેવા માટે પહોંચી ગયા છે. ત્યારે જામનગરના ઉત્તર બેઠકથી ધારાસભ્ય રિવાબા જાડેજા પણ લોકોની મદદ માટે પહોંચ્યા છે.
ADVERTISEMENT
ફાયર-વીજ વિભાગને સાથે રાખી નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી
સોમવારે રિવાબા જાડેજા જામનગરના જોડિયા-ભૂંગા, પુનિતનગર વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ફાયર વિભાગ તેમજ વીજ વિભાગના કર્મચારીઓને સાથે રાખ્યા હતા અને ઉપસ્થિત લોકો સાથે સંવાદ કરી, તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા લોકોની પડખે હોવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં લોકો સાથે સંવાદ સમયે રિવાબાએ કહ્યું હતું કે, ભાજપના લઘુમતી સમાજના આગેવનોની અમને ચિંતા છે અને સૌ સમાજ અમારા માટે સરખા જ છે. એટલે કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો અમારો અથવા તંત્રનો તાત્કાલિક સંપર્ક કરજો.
અસરગ્રસ્તોની મદદ માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરાવ્યા
તો બીજી તરફ તેઓ પોતાની ટીમ દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે 10 હજાર ફૂડ પેકેટ્સ તૈયાર કરાવી રહ્યા છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને અન્ન કે જળ વિના ન રહેવું પડે. ફૂડ પેકેટ્સ તૈયાર કરાવતી પોતાની તસવીર રિવાબાએ ટ્વીટર પર શેર કરી છે.
ADVERTISEMENT