Narmada News: MLA ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જ્યુડિશિયલ કસ્ટડીમાં તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા

Shakuntala Vasava News: આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ મુશ્કેલીમાં છે. તેમની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં વન વિભાગ દ્વારા કેસ નોંધાવવામાં આવ્યો…

gujarattak
follow google news

Shakuntala Vasava News: આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ મુશ્કેલીમાં છે. તેમની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં વન વિભાગ દ્વારા કેસ નોંધાવવામાં આવ્યો છે. જોકે કેસ નોંધાયો ત્યારથી તેઓ ફરાર છે અને હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. બીજી તરફ પોલીસ દ્વારા ચૈતર વસાવાના પત્નીની અટકાયત કરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.

રાજપીપળાની સિવિલમાં શકુંતલા વસાવા દાખલ

હવે વિગતો સામે આવી રહી છે કે, જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની તબિયત લથડી છે. આથી તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમને મળવા માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને સિવિલ હોસ્પિટલમાં શકુંતલા વસાવાને મળવા જતા અટકાવવામાં આવ્યા હતા.

ઈસુદાન ગઢવી હોસ્પિટલ પહોંચ્યા

આ દરમિયાન ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું રાજકારણમાં રહીને ડબલ રોલમાં આવી શકું છું, ટાઇગર અભી ડરા નહિ. ભાજપ એ ખોટી રીતે ચૈતર વસાવા પર કેસ કર્યો છે. ચૈતર વસાવા નિર્દોષ છે અને ટૂંક સમયમાં હાજર પણ થશે. આ આદિવાસી સમાજ પર હુમલો છે. આમ આદમી પાર્ટી આ જે મુદ્દો છે એ આગામી લોકસભામાં પણ લઈ જશે અને ગામેગામ ગ્રામસભા પણ કરશે. તેમણે કહ્યું હતું કે, ભાજપના ઇશારે જ આ સમગ્ર ઘટનામાં ચૈતર વસાવાને ફસાવવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ ભાજપનો આ દાવ ઉલટો પડ્યો છે. અમે ચૈતર વસાવા માટે સુપ્રીમ કોર્ટના વકીલો સાથે વાત કરી છે.

(નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

 

    follow whatsapp