ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસમાંથી મોહનસિંહ રાઠવા, ભગવાન બારળ પછી ભાવેશ કટારાના રાજીનામા સાથે છેલ્લા ત્રણ દિવસમાં હેટ્રી વિકેટ પડી હોય તેવો ઘાટ ઘડાયો છે. ગુજરાત કોંગ્રેસ માટે આ છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજો મોટો ઝટકો છે. ગુજરાત કોંગ્રેસે હાલમાં જ પોતાના કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરી તે પછી કોંગ્રેસના ચાલુ ધારાસભ્યોમાંથી કોણ કોણ રિપિટ થશે તે માટે પ્રશ્નો ઊભા હતા ત્યાં જ કોંગ્રેસ માટે સતત ત્રણ દિવસથી મોટા નામોના રાજીનામા મોટા ભુકંપ સમાન બની ગયા છે.
ADVERTISEMENT
25000 મતોથી જીત્યા હતા કટારા
ગુજરાત કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામુ આપીને કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ઝાલોદની અનામત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભાવેશ કટારાએ ગત વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 86077 મત મેળવ્યા હતા. તેઓએ આ બેઠકના કુલ મત 224394 પૈકીના 56.63 ટકા મતો પર પોતાનું નામ નોંધાવ્યું હતું. આ બેઠક પર જોકે 5265 મત નોટામાં પડ્યા હતા પરંતુ 25410 મતોની જંગી લીડથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા નેતા હોવાને કારણે કોંગ્રેસ માટે કેટલા મહત્વના હતા તે આપ આંકી શકો છો. તેમની સામે વર્ષ 2017માં મહેશ બારિયા ભાજપમાંથી લડ્યા હતા જેમને 60667 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ એક એવી બેઠક હતી જેમાં માત્ર તે બંને જ ઉમેદવારો હતા. 67.74 ટકા મતદાન આ બેઠક પર થયું હતું.
ભાજપમાં જોડાશે તેવી ચર્ચા
હવે સ્થિતિ એવી છે કે ભાવેશ કાટારાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામુ સોંપી દીધું છે. ટુંક જ સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે અચાનક ધારાસભ્ય પદ છોડી દેવું તે અંગે રાજકીય પંડીતો માને છે કે આ સૂચક છે કે તેમના ધારાસભ્ય પદ પરથી રાજીનામાને આપણે કોંગ્રેસમાંથી આપેલું રાજીનામું સમજીએ અને તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. જોકે તેઓ આમ આદમી પાર્ટીમાં નહીં જોડાય તેવું હાલ એટલે માની શકાતું નથી કારણ કે ઝાલોદની આ અનામત બેઠક પર અગાઉની ચૂંટણી દરમિયાન તેમના પ્રતિસ્પર્ધી તરીકે માત્ર એક જ મહેશ બારિયા હતા, ન કોઈ અપક્ષ ન કોઈ અન્ય પાર્ટીના નેતા. માત્ર તે બંને જ હતા.
ADVERTISEMENT