બ્રિજેશ દોશી,ગાંધીનગર: વિધાનસભા ચૂંટણી માં 156 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યા બાદ ભાજપ વધુ એક ઈતિહાસ રચવા આગળ વધી રહ્યું છે. લોકસભા ચૂંટણીના સતત ત્રીજી વખત તમામ 26 બેઠકો જીતવા અને એ પણ 5 લાખની જંગી લીડ થી જીતવાનો લક્ષ્યાંક ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપ્યો છે. આ માટે તેઓ ખુદ કાર્યકરો સમક્ષ પ્રેઝન્ટેશન કરી રહ્યા છે.
ADVERTISEMENT
પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ અલગ અલગ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ની મદદથી લોકો સુધી કેન્દ્ર – રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડવા સાથે યોજનાના લાભાર્થીઓ સુધી પહોંચવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે. ભાજપ અધ્યક્ષે તમામ નેતાઓને સોશિયલ મિડિયા માધ્યમોમાં વધુ સક્રિય થવા સૂચના આપી છે. અને આ માધ્યમથી લોકો સુધી ઝડપથી પહોંચવા અને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાના રસ્તા વિશે પણ જાણકારી આપી હતી.
પાટીલે મોરચો સંભાળ્યો
લોકસભા ચૂંટણીઓ માટે હજુ સમય છે પણ કાર્યકરોને સક્રિય રાખી આગળ વધારવા ખુદ પ્રદેશ પ્રમુખે મોરચો સંભાળ્યો છે. ભાજપના સોશિયલ મિડિયા સેલ સિવાય પણ તમામ કાર્યકરો સોશિયલ મિડિયામાં સક્રિય થાય તે માટે કવાયત હાથ ધરી છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી માં ભાજપે સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. અને હવે ફરી એક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી જમીન પર લોકો સુધી પહોંચવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એ તમામ કાર્યકરો અને નેતાઓને જિલ્લા વાર પ્રદેશ કાર્યાલય પર બોલાવી માર્ગદર્શન આપ્યું છે.
આપ્યો આ લક્ષ્યાંક
ભાજપ અધ્યક્ષ પાટીલ હમેશાં પોતાના અલગ લક્ષ્યાંકો માટે જાણીતા છે ત્યારે આ વખતે તેમણે તમામ 26 બેઠકો 5 લાખથી વધુની લીડ થી જીતવા સાથે વિપક્ષ ની ડિપોઝીટ જપ્ત કરવાનો લક્ષ્યાંક કાર્યકરોને આપ્યો છે. આ માટે તેઓ ખુદ રણનીતિ ઘડી રહ્યા છે અને એનો અમલ થાય તે માટે જિલ્લા વાર કાર્યકરો સાથે ચર્ચા કરી રહ્યા છે
ADVERTISEMENT