ભરશિયાળે વરસાદમાં પલળવાની રાખજો તૈયારી, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, જુઓ ક્યાં-ક્યાં

સામાન્ય રીતે લોકો અત્યારે કડકડતી ઠંડીની રાહ જોતા હોય છે. ખેડૂતોને પણ સારા પાકની ઉપજ માટે ઠંડીની જરૂર છે. જોકે, કુદરતની કરામત કહો કે ગ્લોબલ…

gujarattak
follow google news

સામાન્ય રીતે લોકો અત્યારે કડકડતી ઠંડીની રાહ જોતા હોય છે. ખેડૂતોને પણ સારા પાકની ઉપજ માટે ઠંડીની જરૂર છે. જોકે, કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિંગની અસર ગણો પણ હવે ઠંડીના દિવસોના બદલે પાંચ-પાંચ દિવસ સુધી એટલે કે તા.24થી 28 નવેમ્બર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા જણાઈ રહી છે. અમુક વિસ્તારમાં તો બે ઈંચ જેટલો ભારે વરસાદ પણ થઈ શકે છે.

 

હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગની હળવો વરસાદ પડવાની આગાહીથી લોકો ચમકી ઊઠ્યા છે. આ આગાહી મુજબ તા.24 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગરમાં હળવો વરસાદ પડી શકે છે. તો 25મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓ દમણ, દાદરાનગર હવેલી, મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે.

26થી 28 નવેમ્બર સુધી આ વિસ્તારમાં વરસાદની શક્યતા

26મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા દમણ, દાદરા-નગર હવેલી, મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, અમદાવાદ, દાહોદ અને મહીસાગર, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. તો 27મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તો 28મી તારીખે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં પડી શકે છે એક ઈંચ વરસાદ

હવામાન નિષ્ણાંતો એમ જણાવે છે કે સૌરાષ્ટ્રમાં એક ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ માવઠું જોવા નહીં મળે, પરંતુ જ્યાં માવઠું થશે ત્યાં એક ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.

કમોસમી વરસાદની આગાહી ભારે ચોંકાવનારી

આપને જણાવી દઈએ કે, હાલમાં ઠંડી ધીમા પગલે વર્તાઈ રહી છે, પરંતુ ગુજરાતીઓ માટે તો કમોસમી વરસાદની આગાહી ભારે ચોંકાવનારી છે. અત્યારે કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી, પરંતુ સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. ઉત્તર ભારતના અમુક વિસ્તારમાં હીમવર્ષાની શરૂઆત થઈ ચૂકી છે. ડિસેમ્બરમાં તો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.

    follow whatsapp