Mehsana News: મહેસાણાના કડી તાલુકાના એક ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી સાથે શાળાના જ પ્રિન્સિપાલે અડપલા કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને પ્રિન્સિપાલની ધરપકડ સહિતની કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
બાળકીને રાત્રે અચાનક પેટમાં દુઃખાવો શરૂ થયો
સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી માસુમ બાળકી રાત્રિના સમયે ઘરે સૂઈ રહી હતી તે સમયે એકાએક પેટમાં દુખાવો થવાની ફરિયાદ ઉઠી હતી અને તેને માતા-પિતાને જાણ કરતા જ તેને સારવાર માટે દવાખાને લઈ જવાઈ હતી.અહીં તબીબે કરેલી પૂછપરછ દરમિયાન સમગ્ર ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી. જેમાં બાળકીએ આચાર્ય દ્વારા શારીરિક અડપલા થયા હોવાની વાત કરતા જ તેના માતા-પિતા ચોંકી ગયા હતા.
પ્રિન્સિપાલે વાંચવાના બહાને બોલાવી અડપલા કર્યા
ધોરણ ચોથામાં અભ્યાસ કરતી બાળકીએ તેના માતા પિતાને જણાવ્યા મુજબ, તેને ક્લાસ રૂમમાં વાંચન કરવાના બહાને અરવિંદભાઈ પટેલ નામના શિક્ષકે તેને એક રૂમમાં બોલાવી હતી અને શારીરિક અડપલાં કર્યા હતા. છેડતીનો ભોગ બનેલી બાળકીએ સમગ્ર ઘટનાની જાણ માતા-પિતાને કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. કડી પોલીસે આ સંબંધે શાળાના આચાર્યની વિરુદ્ધ ફરિયાદ નોંધને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બાળકી ખૂબ જ ગભરાઈ ગઈ હતી
શાળાના એક રૂમમાં આચાર્ય દ્વારા છેડતીનો ભોગ બનેલી બાળકી ખૂબ જ ડરી ગઈ હતી અને શાળામાં પોતાના વર્ગ રૂમમાં જવાના બદલે દોડીને ઘરે જતી રહી હતી. રિશેષ સમયે ઘરે આવેલી દીકરી પરત શાળાએ ન જતા તેની માતાએ ઠપકો પણ આપ્યો હતો. જોકે આ સમયે તે રડવા લાગી હતી અને શરીરમાં ખૂબ જ દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી અને તે બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
લંપટ આચાર્યની પોલીસે કરી ધરપકડ
કડી પોલીસે જણાવ્યું હતું કે, પ્રિન્સિપાલે સ્કૂલની ચોથા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને વાંચન કરવાના બહાને પોતાની પાસે બોલાવી હતી અને તેના ગુપ્ત ભાગે શારીરિક અડપલાં કર્યા હતા. સમગ્ર ઘટના માતા-પિતાએ પોલીસમાં જઈને કહી હતી અને બાળકી સાથે અડપલા કરનાર આચાર્યની ધરપકડ કરાઈ છે.
(કામિની આચાર્ય, મહેસાણા)
ADVERTISEMENT