AAPનો ‘જુગાર’? ભાજપના MLA કેસરીસિંહનો મોડી રાત્રે રાજકીય વિસ્ફોટ

ખેડાઃ ભાજપે આજે ગુરુવારે જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારે માતર બેઠક પરથી સીટિંગ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પડતા મુક્યા અને કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી.…

gujarattak
follow google news

ખેડાઃ ભાજપે આજે ગુરુવારે જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારે માતર બેઠક પરથી સીટિંગ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પડતા મુક્યા અને કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી. જે પછી કેસરીસિંહ અને તેમના સમર્થકો નારાજ હતા. જોકે તેઓ પક્ષ પલ્ટો કરી નાખશે તેનો અંદાજ અને ગણગણાટ પણ શરૂ થવા લાગ્યો હતો ત્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા દ્વારા તેઓને આમ આદમી પાર્ટીમાં જોડીને અભિનંદન પાઠવ્યા હતા.

ભાજપે ટિકિટ ન આપી તો AAPમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજનીતિ ધીમે-ધીમે ટોપ ગીયરમાં આવી ગઈ છે. હવે કોણ કોની ગાડીમાં સફર કરશે અને કોની ગાડી મુકામ પર જશે તેના પર સહુની નજર છે. આજે ભાજપ દ્વારા પોતાના 160 બેઠકો પરના ઉમેદવારોના નામની જાહેરાત કરી. આ જાહેરાત સાથે ઘણા લોકોમાં ખુશીનો માહોલ હતો. તો સામે ઘણા નાખુશ પણ થયા હતા. ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાઈ હતી અને ઘણા કોર્પોરેટર્સને ટિકિટ મળી હતી. આવું થવું સ્વાભાવીક હતું પરંતુ આ સમયમાં નારાજગી અને રાજીપણા વચ્ચે રાજકીય ખેલ પણ ખેલાતા હોય છે. હાલમાં જ્યાં ટિકિટ કપાયા પછી વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ નહીં તો અપક્ષમાં લડીશ તેવી લાગણી વ્યક્ત કરી દીધી છે. તો બીજી તરફ માતર બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની જગ્યાએ કલ્પેશ પરમારને ટિકિટ મળતાં નારાજ કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. મહિપતસિંહ ચૌહાણની જાહેરાત છતાં હવે તેમની આનાકાનીને પણ ધ્યાને રાખી આપ કેસરીસિંહને માતર બેઠક પરથી કેન્ડીડેટ તરીકે જાહેર કરે તેવી પ્રબળ શક્યતાઓ છે.


કેસરીસિંહને નડી ગયો આ કેસ
હાલમાં જ્યાં કેસરીસિંહની ટિકિટ કપાઈ છે ત્યાં ગણગણાટ ચાલી રહ્યો છે કે તેમને પંચમહાલના શિવરાજપુર પાસે આવેલા જીમરા રિસોર્ટમાં જુગાર રમતા કેસરીસિંહ સોલંકી અને તેમની સાથેના 26 જુગારીઓને કોર્ટે 2 વર્ષની સજા પણ ફટકારી હતી. આ ઉપરાંત તેમને 4 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. જોકે આ કેસમાં પોલીસે જ્યારે દરોડા કર્યા ત્યારે કેટલાક શખ્સો દારુની મહેફિલ પણ માણી રહ્યા હતા. આ બધું જ તેમની ઈમેજને નુકસાન કરવા માટે પુરતું હતું. હવે જ્યારે ભાજપ આ વખતે મોટી લીડથી ચૂંટણી જીતવાના દાવા કરી રહી છે અને આમ આદમી પાર્ટી તથા એઆઈએમએમ એવા બે પડકારો પણ સામે છે ત્યારે ભાજપ રિસ્ક લે તેવું કોઈ માની રહ્યું ન હતું. જેના કારણે તેમને હાલ ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી તેમની જગ્યાએ બીજા ઉમેદવારને તક આપી છે તેવું માનવામાં આવી રહ્યું છે.

(વીથ ઈનપુટઃ હેતાલી શાહ, ખેડા)

    follow whatsapp