વિરેન જોશી.મહિસાગરઃ આદિવાસી નેતા સંતરામપુર ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરના હાથે માનગઢ હિલ્સ ખાતે સીડ્સ(બીજ) તેમજ સીડ બોલનું બ્રોડકાસ્ટિંગ કરાયું હતું. ઐતિહાસિક માનગઢ ખાતે અંદાજે ૧૫ હેકટર વિસ્તારમાં ડ્રોન થકી ખાખરા, ખેર, કણજી અને વાંસ જેવા બીજોનું ડ્રોનની મદદથી છંટકાવ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અદ્યતન ડ્રોન ટેકનોલોજીની મદદથી મહીસાગર જિલ્લાના ઐતિહાસિક સ્થળ માનગઢ હિલ્સ ખાતે સીડ્સ(બીજ) તેમજ સીડ બોલનું બ્રોડકાસ્ટિંગ કરાયું હતું. મહીસાગર જિલ્લામાં વન વિભાગ દ્વારા પહેલીવાર અધ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી માનગઢ હિલને લીલુછમ બનાવવાના પ્રયાસ રૂપે ૧૫ હેક્ટર વિસ્તારમાં ખાખરા, ખેર, કણજી અને વાંસ જેવા બીજોનું સીડ બોલ બનાવીને ડ્રોનના માધ્યમથી વાવેતર કરવામાં આવ્યું છે.
પોલીસ કર્મચારીઓના પગારમાં મોટો વધારો, હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને CMનો આભાર માન્યો
શું કીધું શિક્ષણ મંત્રી ડો કુબેર ડીંડોરે
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે જણાવ્યું હતું, જંગલ વિસ્તારના દુર્ગમ વિસ્તારો કે જ્યાં રોપા લઇ જવા સરળ ન હોઈ તેમજ પથરાળ વિસ્તારોમાં નવી ઝુંબેશરૂપે સીડ બોલ બનાવીને જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં ડ્રોન વડે બ્રોડકાસ્ટિંગ કરીને એક નવો ચીલો ચિતરવામાં આવ્યો. ઐતિહાસિક સ્થળ માનગઢની ટેકરી ખાતે ૭૫ કિલો ખાખરા અને ૭૫ કિલો ખેર મળીને કુલ ૪ લાખ કરતાં પણ વધારે બીજનું ટેકરી પર છંટકાવ કરવામાં આવ્યો છે.
જિલ્લાના અન્ય જંગલ વિસ્તારને પણ હરિયાળો બનવવા બીજનો છંટકાવ
આ ઉપરાંત જિલ્લાના અન્ય સ્થળો જેવા કે લુણાવાડા ખાતે ખોડા આંબાનો જંગલ વિસ્તાર, ખાનપુર ખાતે વાવકુવાનો જંગલ વિસ્તાર, કડાણા ખાતે ભેમાપુરના જંગલ વિસ્તારમાં અને સંતરામપુર ખાતે માનગઢ ઉપરાંત સાતકુંડા ફાચર જંગલ વિસ્તાર તેમજ બાલાસિનોર રેંજ ખાતે વીરપુર તાલુકાના ઝમજરના ડુંગર વિસ્તારમાં કુલ ૪૦ હેક્ટર વિસ્તારમાં ૨૦૦ કિલો ખાખરા અને ૨૦૦ કિલો ખેર મળીને કુલ ૪૦ લાખ કરતાં પણ વધારે બીજનો છંટકાવ ડ્રોન માધ્યમથી કરવામાં આવ્યો. જેની મદદથી આગામી સમયમાં ડુંગરોની બોડી ટેકરીઓ લીલીછમ બનાવવામાં મદદ મળશે.
આજના આ કાર્યક્રમમાં વન સંરક્ષક સામાજિક વનીકરણ વર્તુળના કરુપ્પા સ્વામી મહીસાગર નાયબ વન સંરક્ષક એન વી ચૌધરી, સામાજિક વનીકરણ વિભાગના અધિકારી તથા મહીસાગરના સંતરામપુર તાલુકાના ક્ષેત્રીય સ્ટાફ, કર્મચારીઓ તેમજ વન વિકાસ મંડળીના સભ્યો, પ્રમુખો અને સ્થાનિક ગામલોકોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.
ADVERTISEMENT