ધ્રાંગધ્રામાં વાડી માલિક મજૂરની પત્નીના પ્રેમમાં પડ્યો, સંબંધમાં પતિ વચ્ચે આવતા પતાવીને કેનાલમાં ફેંદી દીધો

સાજીદ બેલીમ/સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામ નજીક નર્મદા કેનાલમાં કોથળામાં વિટાળેલી હાલતમાં હત્યા કરેલી મળેલ પુરૂષની લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. યુવકની હત્યા પ્રેમ…

gujarattak
follow google news

સાજીદ બેલીમ/સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામ નજીક નર્મદા કેનાલમાં કોથળામાં વિટાળેલી હાલતમાં હત્યા કરેલી મળેલ પુરૂષની લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. યુવકની હત્યા પ્રેમ સંબંધમાં પત્નીના જ આધેડ પ્રેમીએ કરી હોવાનું ખૂલ્યું છે. યુવકે વાડી ભાગે રાખી હતી અને ત્યાં જ રહીને મજૂરી કામ કરતો. ત્યારે વાડી માલિકને યુવકની પત્ની સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયા હતા. પરંતુ યુવક પ્રેમમાં આડખીલી રૂપ હોઈ તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી નર્મદા કેનાલમાં નાખી હોવાની કબુલાત વાડીના માલિકે આપતા પોલીસે તેની ધરપકડ કરી અને આકરી પુછપરછ હાથ ધરી છે.

વાડી ભાગે રાખનારની પત્ની પર માલિકે નજર બગાડી
કહેવાય છે ને કે પ્રેમ આંધળો છે પ્રેમ ગમે તે ઉંમરે થાય અને કોઇપણની સાથે થાય. તેવી જ ઘટના ધ્રાંગધ્રાના જેશડા ગામે વાડીમાં રહેતા વાડી માલિક સાથે થઈ. વાડી ભાગે રાખનાર મજૂરની પત્ની સાથે પ્રેમ સંબંધ થઈ જતા વાડી માલિકે જ યુવકની હત્યા કરી અને મૃતદેહને નર્મદા કેનાલમાં નાખી દેતા પોલીસે વાડી માલિકના ખેલ પર પડદો પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અને વાડી માલીકને જેલના સળીયા ગણતા કરી દિધો છે.

નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી હતી
ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ નજીક 5 મેના રોજ નર્મદા કેનાલમાં એક લાશ તરતી હોઈ સ્થાનિકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે તરવૈયાઓની મદદથી મૃતદેહ બાહાર કાઢતા લાશ ડી કમ્પોઝ હાલતમાં અને શરીર પર ઇજાઓના નિશાન અને કોથળામાં અને પુઠાઓમાં વિટાળેલી મળી હતી. શંકાસ્પદ હાલતમાં હત્યા થયેલી પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતા સ્થળ પર અધિકારીએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા DYSP, LCB, SOG સહિતનો કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક પુરૂષની ઓળખ મેળવવા માટે સોશિયલ મીડીયામાં ફોટો વાયરલ કર્યા હતા અને બાતમીદારોને કામે લગાડીયા હતા. જેથી પોલીસને બાતમી મળી હતી કે આ લાશ મહાદેવભાઇ ઠાકોરની છે જે મુળ રહેવાસી છત્રોડ ગામનો છે અને હાલ ધ્રાંગધ્રા તાલુકાના જેસડામાં રહી વાડી ભાગે રાખી હતી. પતિ-પત્ની વાડીમાં રહી મજૂરી કામ કરતા હતા.

વાડી માલિક પર પોલીસને કેવી રીતે ગઈ શંકા?
જેથી પોલીસે જેસડા ગામે પહોંચી તપાસ હાથ ધરતા વાડી માલિક બળદેવભાઇ ભરવાડની હિલચાલ શંકાસ્પદ લાગતા તેની અટકાયત કરી આકરી પુછપરછ કરી હતી. જેમાં ભાંગી પડ્યો અને તેણે યુવક મહાદેવભાઇની હત્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી અને આકરી પુછપરછ કરતા આરોપીએ કબુલાત આપી હતી કે મૃતક મહાદેવભાઇ મુળ છત્રોડ ગામનો યુવકને અને ત્રણેક વર્ષ પહેલા તે ધ્રાંગધ્રાના જેશડા ગામે આવ્યો હતો. આરોપી આધેડ બળદેવભાઇની વાડીમાં ભાગે વાવવાનું નક્કી થતા બળદેવ પત્ની અને નાની બાળકી સાથે વાડીમાં કાચી ઓરડી બનાવી અને રહેતો હતો અને મજુરી કરતો હતો. પરંતુ આરોપી વાડી માલિક બળદેવભાઇને મહાદેવભાઇની પત્ની સાથે આંખ મળી જતા આડા સંબંધો બંધાયા હતા. મહાદેવભાઇને આ આડા સંબંધોની જાણ થતા અવાર નવાર ઝઘડો થતો હતો.

હત્યા બાદ કેનાલમાં લાશ ફેંકી હતી
જેથી 4 મે રોજ આરોપી રાતના સમયે વાડીએ ગયો હતો અને પ્રેમિકાના પતિ સાથે માથાફુટ કરી અને તિક્ષ્ણ હથિયારથી વાર કરી હત્યા કરી અને લાશ ગોદડામાં વીંટાળી બાઇક પર મુકી વિરેન્દ્રગઢ નજીક નર્મદા કેનાલ પાસે લઈ ગયો હતો. અહીં લાશને કોથળામાં પેક કરી હાથપગ બાંધી અને નર્મદા કેનાલમાં નાખીને ઘરે પરત ફર્યો હતો. આમ આરોપીએ હત્યાની કબુલાત આપતા પોલીસે ઘટના સ્થળે આરોપીને લઈ જઈ હત્યાનું ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું હતું. આરોપી આધેડે એક યુવકની પત્ની સાથે આડા સંબંધો રાખી અને યુવકની હત્યા કરતા હવે તેની નાની બાળકીના ભવિષ્ય સામે પણ સવાલો ખડા કર્યા છે. પ્રેમ અને હવસના ખેલમાં બે પરિવારનો માળો વિખેરાયો તો હવે કાયદો હત્યા માટે આરોપી આધેડને શું સજા આપે છે તે જોવું રહ્યું.

    follow whatsapp