ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ઠાકોરવાસમાં પ્રેમિકાને પામવા પતિએ પોતાની પત્નીની પ્રથમ માથામાં ધોકો મારી હત્યા કરી હતી, તે બાદ આ કેસને અકસ્માતમાં ખપાવી, સાસરી પક્ષને બોલાવી જાહેર કર્યું હતું કે અમે ગરબા જોવા ગયા હતા, ત્યાં અકસ્માત થયો હતો. અને પત્નીનું મોત થઈ ગયું. જે બાદ પત્નીની લાશનું પીએમ કરાવ્યા વગર તેને વહેલી સવારે અગ્નિસંસ્કાર કરી, પુરાવાઓનો નાશ કર્યો હતો. આ તમામ ક્રાઇમમાં પતિની ભૂમિકા હિન્દી ફિલ્મના વિલન જેવી હતી. જોકે પાપ છાપરે ચઢીને પોકારે એમ આ બાબતે મૃતક યુવતીની માતાએ શંકા પડતા તેને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસને પણ પતિની અન્ય યુવતી સાથેના આડા સંબંધની જાણ થતાં પતિની કડકાઈ એ પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. અને કબૂલ્યું હતું કે તેને પ્રેમિકાને પામવા આ હત્યા કરી છે. પોલીસે તે બાદ હત્યા અને પુરાવાના નાશ બદલ ફરિયાદ નોંધી આરોપીને જેલ હવાલે કર્યો છે.
ADVERTISEMENT
હિન્દી ફિલ્મમાં સસ્પેન્સ મર્ડર જેવી સ્ટોરી
દાંતીવાડાના નાંદોત્રા ઠાકોર વાસમાં આજથી દસ મહિના પહેલા વડગામ તાલુકાના અંધારીયા ગામના બાલસિંગ પૃથ્વીરાજસિંહ ડાભીની પુત્રી કીસૂબાનાં લગ્ન દાંતીવાડાના ગોપાળસિંહ સોનસિહ વાઘેલા જોડે થયા હતા. જોકે લગ્ન બાદ પરણિતાને ખબર પડી કે પતિ ગોપાળસિંહ વાઘેલાને એક અન્ય યુવતી સાથે પ્રેમ સબંધ છે. પ્રેમિકાને પામવા પત્નીના માથામાં કપાળના ભાગે કોઈ હથિયાર વડે ફટકો મારી હત્યા કરી દીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ગોપાળસિંહ વાઘેલાએ 4 ઓક્ટોમ્બરની રાત્રે પત્ની સાથે થયેલી માથાકૂટમાં કીસુબાના કપાળના ભાગે હથિયાર વડે ફટકો મારી હત્યા કરી પુરાવા નાશ કરવા વહેલી સવારે મૃતદેહને અગ્નિસંસ્કાર આપી દીધો હતો.
જે બાદ કીસુબાના પરિવારને દીકરીની હત્યા કરાઈ હોવાની શંકા ઉપજતા દાંતીવાડા પોલીસ મથકે સાચી હકીકત બહાર લાવવા અરજી કરી હતી. સમગ્ર કેસમાં ડીસા વિભાગના ડી.વાય.એસ.પી કુશળ ઓઝા અને દાંતીવાડા પી.એસ.આઈ એસ.ડી. ચૌધરીએ ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરતા પૂછપરછમાં ગોપાળસિંહ વાઘેલાએ જ પત્ની કીસુબાની હત્યા કરી હોવાનો ગુનો કબૂલી લેતા હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યા બાદ પત્નીની લાશ સળગાવી દીધી
આ બાબતે ઇન્વેસ્ટીગેશન ઓફિસરે દાંતીવાડા પીએસઆઇ એસ.ડી.ચૌધરીએ જણાવ્યું હતું કે, ફરિયાદ બાદ ચાર્જ પૂરતા પુરાવા મળ્યા હતા. અને તે બાદ આરોપીની પૂછપરછ કરતા તેને ગુનો કબૂલી લીધો હતો કે તેણે જ પોતાની પત્નીની હત્યા કરી છે.
હત્યાનો મોટીવ અને મહત્વના પુરાવા જપ્ત કરાયા
આ હત્યા કેસમાં ઝડપાયેલ હત્યારા ગોપાળસિંહ વાઘેલાના શર્ટ પર લોહી ડાઘ દેખાયા હતા. તેમજ તેના ઘેર ગાદલા અને જમીન પર નીચે તાજુ લીપણ કરેલું હતું. ત્યાં પણ લોહીના ડાઘ હતા. જે બાદ FSLની ટીમ દ્વારા આ મહત્વના પુરાવા એકઠા કરાયા હતા. હથિયાર તરીકે વપરાયેલો ધોકો હતો. જે પણ આરોપી પાસેથી કબજે કરાયો હતો. આમ આ પુરાવા તેમજ પત્નીની હત્યાનો મુખ્ય ઉદ્દેશ તેની પ્રેમિકાને પામવાનો હોઇ આ કેસમાં હત્યારા વિરૂદ્ધ હત્યા (આઇ.પી.સી કલમ 302), તેમજ (આઇ.પી.સી કલમ 201 પુરાવાનો નાશ )નો ચાર્જ લગાવી તેની ધરપકડ કરાઈ હતી.
ADVERTISEMENT