બનાસકાંઠા: ડીસાના રાણપુર વચલાવાસમાં ગત મોડી રાત્રે એક યુવકની છરાના ઘા મારીને ઘાતકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. જે મામલે મૃતકના કૌટુંબિક ભાઈએ ગામના જ બે યુવકો પર આશંકા દર્શાવી છે. જે મુજબ યુવકને મોડી રાત્રે મળવા માટે બોલાવ્યો હતો અને બાદમાં લાઈટ બંધ કરીને છરીના ઘા મારીને તેની હત્યા નીપજાવી દેવામાં આવી.
ADVERTISEMENT
ઘટનાની વિગતો મુજબ, ડીસાના રાણપુર વચલાવાસ ગામમાં રહેતા મૃતક પોપટભાઈને ગત રાત્રે તેમના મિત્રનો ફોન આવતા તે મળવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન કેટલાક શખ્શો અગાઉથી તેની રાહ જોઈને ત્યાં બેઠા હતા અને પોપટભાઈ ત્યાં પહોંચતા જ લાઈટ બંધ કરી તેની છરાના ઘા મારીને હત્યા નીપજાવી દીધી હતી. જોકે રસ્તા પરથી એક રીક્ષા ચાલકને લોહીલુહાણ હાલતમાં યુવક મળતા તેણે સ્થાનિકોને જાણ કરી હતી. જે બાદ પોલીસે પણ સ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
બીજી તરફ મૃતકના સગાનો આક્ષેપ છે કે, ગામમાં રહેતા બે માથાભારે શખ્સો રાહુલ ઘોરી અને મફાભાઈ ઘોરીએ તેમને મળવા બોલાવી હત્યા નીપજાવી દીધી. મૃતકના ભત્રીજાએ આ મામલે આરોપીઓને કડકમાં કડક સજા કરવા પોલીસ સમક્ષ માંગ કરી છે. હાલમાં પોલીસે બંને શકમંદોની શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT