હેતાલી શાહ/ખેડા: ખેડા જીલ્લાના ડાકોરમાં ગત રોજ એક ભક્તને હાર્ટ એટેક આવ્યો હતો, અને તે ઢળી પડ્યો હતો. જોકે તુરંત સ્થળ પર હાજર પોલીસ ધ્વારા સીપીઆર આપવામાં આવ્યો અને ભક્તને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તેનો જીવ ન બચી શક્યો નહોતો.
ADVERTISEMENT
ભગવાન સામે જ 40 વર્ષથી સેવા આપતા ભક્તનું મોત
હાલમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. નાની ઉંમરના લોકો પણ હવે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. એવામાં ડાકોરના ઠાકોરના મંદિરમાં છેલ્લા 40 વર્ષથી મશાલ થકી ઉજાશ પાથરનાર દશરથભાઈ વાળંદનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયુ છે. ડાકોરમાં ભાવસારની ખડકીમાં રહેતા દશરથભાઈ તથા તેમનો પરિવાર મંદિરમાં મશાલ સળગાવી ભગવાનને દેખાડવાનું કામ વર્ષોથી કરતા આવે છે. જેમાં વર્ષો પહેલા જ્યારે લાઈટો નહોતી, તે સમયે મશાલ સળગાવી રોશની કરવામાં આવતી હતી. એ પરંપરા ડાકોર મંદિરમાં આજે પણ ચાલતી આવી છે. અને હવે આ પરંપરા રોજનો નીત્યક્રમ બની ગયો છે.
મશાલ સળગાવી મંદિરમાં આવતા જ છાતીમાં દુઃખાવો થયો
જે અંતર્ગત દશરથભાઈ પોતાના નિત્યક્રમ મુજબ સાંજના સમયે મંદિરમાં મશાલ સળગાવવા માટે પહોંચ્યા હતા. મશાલ લઇને મંદિરમાં પહોંચ્યાને એકાએક દશરથભાઈને છાતીના ભાગે દુખાવો શરૂ થયો અને તે નીચે ઢળી પડ્યા. જેને જોઈ પાસે જ બંદોબસ્તમાં રહેલ પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ અંબાલાલે દશરથભાઈને સીપીઆર આપ્યો પણ કોઈ ફેર જોવા ન મળતા તેમને તાત્કાલિક ડાકોરમાં વિનામૂલ્યે સેવા આપતી શિબ કર્માં ફાઉન્ડેશન નામની રિક્ષા ધ્વારા ડાકોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પણ ડોક્ટર દ્વારા ટ્રિટમેન્ટ આપવામાં આવી પરંતુ ડોક્ટરોએ તેમને છેલ્લે મૃત ઘોષિત કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, છેલ્લા 40 વર્ષથી રણછોડજી મંદિરમાં મસાલ સળગાવી ભગવાનને દેખાડવાનું કામ કરતા હોવાથી દશરથભાઈને વર્ષો પહેલા 75 રૂપિયા પગાર આપવામા આવતો અને ત્યારબાદ 40 વર્ષ પછી 1500 રૂપિયા પગાર આપવામાં આવી રહ્યો હતો.
પોલીસે CPR આપવા છતા ન બચ્યો જીવ
મહત્વનુ છે કે, જ્યારે દશરથભાઈને પોલીસ જવાન દ્વારા સીપીઆર આપવામાં આવી રહ્યો હતો, દરમિયાન કોઈએ આ વિડીયો ઉતારતા આ વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. જોકે દશરથભાઈને ટ્રીટમેન્ટ તો મળી પણ પ્રાણ રણછોડજીની સન્મુખ નીકળ્યા. જેને લઈ ઠાકોરજીની ભક્તિમાં અવિરત સેવા આપતા દશરથભાઈની ભક્તિ ડાકોરના ઠાકોરે સ્વીકારી હોય એમ મંદિરમાં ભગવાનના સાનિંધ્યમાં પ્રાણ ગયા હોવાની ચર્ચા ડાકોરમાં થઈ રહી છે.
ADVERTISEMENT