જિતેશ ચૌહાણ/પોરબંદર: ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રને તૈનાત કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર તથા પોરબંદરમાં થવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને આ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. ત્યારે પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ADVERTISEMENT
ભાટિયા બજારમાં મકાન ધરાશાયી
બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ કેટલીક જગ્યાઓ પર વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે પોરબંદરમાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. એવામાં ભાટિયા બજારમાં જૂનું જર્જરિત મકાન ધરશાયી થઈ જતા તેમાં પ્રકાશ લોઢારી નામનો વ્યક્તિ કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો. સવારે સ્થાનિક લોકોને જાણ થતા તપાસ કરતા યુવક કાટમાળમાં દટાયેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો.
ગઈકાલે ભૂજમાં બે બાળકોના મોત થયા
નોંધનીય છે કે, ગઈકાલે ભુજમાં લખુરઈ ક્રોસ રોડ પાસે દીવાલ પડી જવાથી બે બાળકોન મોત થયા હતા. અહીં બાળકો રમતા હતા ત્યારે આ દીવાલ અચાનક તેમના ઉપર પડી હતી. જેમાં ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઈજાઓને પગલે બે બાળકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક બાળક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. આ મામલામાં પરિવારજનોનું કહેવું છે કે ભારે પવન આવવાના કારણે દીવાલ પડી ગઈ હતી.
ADVERTISEMENT