અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં રહેતા તાપીના યુવકે બે મહિલાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવકનો આરોપ છે કે તે વીડિયો ઉતારી રહ્યો હોવાની આશંકાએ માતા અને દીકરીએ લાફાવાળી કરી હતી. તો બીજી તરફ મહિલાએ પણ યુવક વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અપશબ્દો કરીને હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
વીડિયો ઉતારવાની શંકાએ યુવક પર હુમલો
વિગતો મુજબ, ગાંધીગ્રામ રેલવે સ્ટેશન નજીક પીજીમાં રહેતો સુનિલ પ્રજાપતિ આઈટી કંપનીમાં કામ કરે છે. ગત શનિવારે તે પીજીમાં જમીને કોઈ કામથી નીચે જઈ રહ્યો હતો. દરમિયાન તે પોતાના મિત્ર સાથે મોબાઈલમાં વીડિયો કોલમાં વાત કરી રહ્યો હતો. ફ્લેટના બીજા માળે વસંત પરમાર નામની મહિલા રહેતી હતી. જે ત્યાં તેની દીકરી સાથે વાત કરતી હતી. એવામાં મહિલાને શંકા ગઈ કે સુનિલ તેનો વીડિયો ઉતારી રહ્યો છે. જેનો વહેમ રાખીને તેની સાથે બોલાચાલી કરીને મા-દીકરીએ સુનિલને લાફા માર્યા હતા.
મા-દીકરી સામે યુવકે નોંધાવી ફરિયાદ
આ બાદ વસંત પરમારે તથા તેની દીકરીએ ધમકી આપી હતી કે તને નોકરીમાંથી કઢાવી નાખીશ અને અહીંથી ઘરભેગો કરી દઈશું. જોકે આ ઝઘડો વધતા આખરે સુનિલે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો જે બાદ તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વસંત પરમાર તથા તેની દીકરી ભુમિકાબેન સામે ફરિયાદ નોંધાવી હતી.
મહિલાએ પણ નોંધાવી સામી ફરિયાદ
બીજી તરફ વસંતબેને પણ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તે પોતાની દીકરી સાથે ફ્લેટના પેસેજમાં ચાલતા હતા ત્યારે સુનિલ સીડીમાંથી આવ્યો અને પોતાનો ફોન કાઢીને ફોટો પાડવા લાગ્યો તથા ગાળાગાળી કરી હતી. આ સાથે ફરિયાદમાં એમ પણ કહેવાયું છે કે સુનિલ અવારનવાર તેમની સાથે બોલાચાલી કરીને ત્રાસ આપતો હોય છે. ત્યારે હવે બંને પક્ષની ફરિયાદ નોંધીને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT