મેજર અપસેટ: હાર્દિક પટેલે આપમાંથી ફોર્મ ભર્યું જો કે મેન્ડેટ નહી મળતા હવે અપક્ષ ઉમેદવારી કરી

અમદાવાદ : વિરમગામ વિધાનસભામાં હાર્દિક પટેલના કારણે આ બેઠક હાઇપ્રોફાઇલ બની ચુકી છે. ભાજપના યુવા નેતા હાર્દિક પટેલ ભાજપ તરફથી ચૂંટણી મેદાને છે તો કોંગ્રેસ…

gujarattak
follow google news

અમદાવાદ : વિરમગામ વિધાનસભામાં હાર્દિક પટેલના કારણે આ બેઠક હાઇપ્રોફાઇલ બની ચુકી છે. ભાજપના યુવા નેતા હાર્દિક પટેલ ભાજપ તરફથી ચૂંટણી મેદાને છે તો કોંગ્રેસ તરફથી લાખા ભરવાડ ચૂંટણી મેદાને છે. જો કે અપક્ષમાંથી પણ એક હાર્દિક પટેલે ઉમેદવારી નોંધાવતા ભારે કન્ફ્યુઝનની સ્થિતિ પેદા થઇ છે. આ બેઠક હાઇપ્રોફાઇલ હોવાના કારણે તમામ લોકોની નજર છે. ત્યારે એક જ બેઠક પરથી 3-3 હાર્દિક પટેલ લડતા મતો વહેંચાઇ જાય તેવી શક્યતા છે.

ગુજરાતની હવામાં રાજકારણ વહી રહ્યું છે
હાલ ગુજરાતની હવામાં જ રાજકારણ વહી રહ્યું છે. પાટીદારોના ગઢ ગણાતી આ સીટ પરથી કુલ 34 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ ઉમેદવારો પૈકી કુલ 9 ઉમેદવારો તો માત્ર પાટીદાર છે. ભાજપ તરફથી હાર્દિક પટેલને તક આપવામાં આવી છે. ત્યારે બીજા બે અપક્ષના હાર્દિક પટેલ પણ ચૂંટણીમાં ઉભા છે. જેમાં એક હાર્દિક કિરીટભાઇ પટેલ, હાર્દિક ચગદીશચંદ્ર પટેલનો સમાવેશ થાય છે. જેના કારણે હાર્દિકના કેટલાક મત કન્ફ્યુઝનના કારણે કપાય તેવી શક્યતા છે.

હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું પણ મેન્ડેટ નહી મળતા અપક્ષમાંથી ઉમેદવારી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે પહેલા આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું. જો કે આપ દ્વારા અન્ય ઉમેદવારને મેન્ડેટ અપાતા હાર્દિકે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. હાર્દિકનું માનવું છે કે, પોતે જમીન સાથે જોડાયેલો હોવાના કારણે લોકો તેને મત આપશે. પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરા હાર્દિક પટેલ જીતે છે કે કેમ તે તો સમય જ કહેશે. જો કે ભાજપના ઉમેદવાર હાર્દિકનું માનવું છે કે, પોતાને હરાવવા માટે વિપક્ષ દ્વારા પોતાના નામના વ્યક્તિને ચૂંટણીમાં ઉભો રાખીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

    follow whatsapp