વિરેન જોશી.મહિસાગરઃ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ૧૨૧ બાલાસિનોર ખાતે વિશાળ જન સભાને સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
સ્થાનિક મુદ્દે પણ રાજનાથે કરી વાત
બાલાસિનોર ખાતે રાજનાથ સિંહે જંગી જન મેદનીને સંબોધતા જણાવ્યું કે વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવાનું કામ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે. ભારત જે કહે છે તેને અન્ય દેશો સાંભળે છે જેને આપણે યુક્રેન -રશિયા યુદ્ધ વખતે અનુભવ્યું છે. યુદ્ધ સ્થગિત રાખીને આપણા ભારતીયોને પરત લાવવામાં સફળતા મળી. વધુમાં તેમણે સ્થાનિક મુદ્દા વિશે વાત કરતાં જણાવ્યું કે બાલાસિનોરની જનતા માટે મુખ્યમંત્રી એ પાણીની 800 કરોડની યોજના આપી છે લોકોની સુખાકારી માટે સરકાર કામ કરે છે.. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી કહેતા કે ઉપરથી ૧૦૦ પૈસા મોકલું છું ત્યારે નીચે ૧૪ પૈસા પહોંચે છે જ્યારે હવે ભાજપના શાસનમાં સીધા લાભાર્થીના ખાતામાં રૂપિયા આવે છે. આયુષમાન ભારત યોજનામાં 5 લાખ સુધીના મફત ઈલાજ લોકોને લાભ અપાવે છે. આવી યોજનાની દુનિયાના કોઈ દેશોમાં નથી જે પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરી છે. ભારત દેશ આજે દુનિયાના તાકાતવર દેશોની હરોળમાં ઊભો છે.
મોદીએ લોકોનો વિશ્વાસ જીત્યોઃ રાજનાથ
તેમણે કહ્યું, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બે તૃતીયાંશ બહુમતીથી જીત મેળવશે તે નિશ્ચિત છે કોંગ્રેસ તેનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ છે અને આપ પોતાની હાજરી પુરાવવા અહીંયાં ચૂંટણી લડે છે ત્યારે ગુજરાતમાં ફરીવાર ભાજપની વિકાસ કરતી સરકાર બનશે. તેમણે ભાજપની સંકલ્પબદ્ધતા વિશે વાત કરતાં જણાવ્યું કે ભાજપે ચૂંટણીમાં કરેલા તમામ વાયદાઓ પૂરા કરે છે જ્યારે બીજી પાર્ટીઓ લોકોની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરે છે. નરેન્દ્ર મોદીએ લોકોના વિશ્વાસને જીત્યો છે ત્યારે વડાપ્રધાન પર વિપક્ષે અપશબ્દોનો પ્રયોગ કરી ગુજરાતના સ્વાભિમાન પર ઘા કર્યો છે. કોંગ્રસના આવા વલણ પર ગુજરાતના દરેક મતદારોએ એ સંકલ્પ લેવો જોઈએ કે અમે કોંગ્રેસનો સફાયો કરીશું.
ભારત જોડો યાત્રા અંગે રાજનાથ સિંહે કહ્યું
કોંગ્રસની ભારત જોડો યાત્રા પર તેમણે પ્રહાર કરતા પ્રશ્ન કર્યો કે ગુજરાતના સંતાન સરદારભાઈ પટેલે ભારતને જોડીને એક બનાવ્યું છે ત્યારે હવે તમે કયા ભારતને એક કરવા નીકળ્યા છો? કાનૂન અને વ્યવસ્થામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે. સામાજિક આર્થિક અને રાજનૈતિક તમામ ક્ષેત્રોમાં બદલાવ લાવવાનું કામ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે. જન સંઘ વખતે અમે પ્રચાર કરતા હતા કે અમે કોમન સિવિલ કોડ લાવીશું અમે સંકલ્પ કર્યો છે કે ગુજરાતમાં સરકાર બનશે એટલે અમે કોમન સિવિલ કોડ લાવીશું.
370ની કલમ અને આતંકવાનો પણ મુદ્દો ઉઠાવ્યો
તેમણે કહ્યું, ભારતીય જનતા પાર્ટીએ બહુમત મળતા 370 ની કલમ હટાવી જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવ્યો. પાકિસ્તાનની ધરતી પર જઈને આતંકવાદીઓને ખતમ કર્યા. પ્રજાના હિતમાં ભારતીય જનતા પાર્ટી કામ કરે છે રાજનીતિક ફાયદો જોતી નથી. માનસિંહ ચૌહાણ સજ્જન અને સાદા માણસ છે તમારા ચાર વખત પારખેલા ધારાસભ્ય છે તમે રેકોર્ડ મતોથી તેમને વિજેતા બનાવશો તેવી ઉપસ્થિત વિશાળ જનસમૂહને અપીલ કરી હતી.
આ સભામાં ઉમેદવાર માનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા, દાહોદ પ્રભારી રાજેશ પાઠક, મહામંત્રી, ભાજપના હોદ્દેદારો, પ્રવાસી આગેવાનો, અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, પં. ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT