Mahisagar News: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામમાં અનોખા લગ્ન થયા. 75 વર્ષની વયે એકલવાયું જીવન જીવતા એક વૃદ્ધે 60 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવતી સ્ત્રી સાથે લગ્ન કર્યા. અમેઠી ગામના 75 વર્ષીય સાયબાભાઈ ડામોરે 60 વર્ષીય કંકુબેન સાથે મંદિરમાં ગ્રામજનોની હાજરીમાં સામાજિક રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
ADVERTISEMENT
પત્નીના મોત બોદ એકલું જીવતા વૃદ્ધે કર્યા લગ્ન
સાયબા ભાઈના સંતાનોમાં એક જ પુત્રી છે જે પરિણીત છે અને તેને સંતાનો છે. સાયબાભાઈના પત્નીનું વર્ષ 2020 માં બીમારીના કારણે અવસાન થયું હોવાથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા અને એકલા રહેવાના કારણે તેમને રોજબરોજના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમની એકલતા જોઈને ગ્રામજનોએ તેમના જેમ એકલવાયું જીવન જીવતા કંકુબેન સાથે સામાજીક લગ્નની તૈયારી કરી હતી અને, ગઈકાલે મંદિરમાં સામાજીક રીત રીવાજ મુજબ લગ્ન સંપન્ન થયા હતા.
ગામ લોકોએ કરાવ્યા બંનેના લગ્ન
હવે સાયબાભાઈએ કંકુબાઈ સાથે પ્રભુતામાં પગલા પાડીને ફરીથી નવો ઘરસંસાર માંડ્યો છે. જીવન જીવવા માટેનો સહારો મળતાં બંને ખૂબ જ ખુશ છે અને ગ્રામજનો પણ તેમના લાંબા આયુષ્ય અને બાકીનું જીવન ખુશીથી પસાર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
લગ્નમાં જમણવાર પણ રખાયો
સાયબાભાઈ અને કંકુ બેનના લગ્નમાં ઢોલ ઢબૂક્યો હતો. સાથે જ લગ્નમાં મિજબાની પણ યોજવામાં આવી હતી અને લગ્નમાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર 75 વર્ષીય વરરાજાને પોતાના ખભા પર લઈ સંગીતના તાલે ડાંસ કર્યો હતો. તમામ ગ્રામજનોએ પણ લગ્નમાં જાનૈયા બનીને ખૂબ મજા માણી હતી.
ADVERTISEMENT