વીરેન જોશી.મહીસાગરઃ એક તરફ સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવે છે અને જે માટે રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે અને અભ્યાસ કરતા બાળકોના સાવસ્થ્યની તપાસ કરવામાં આવે છે ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને બાળકોનું સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે સરકારના સારા અભિગમ અંતર્ગત સરકારની ગ્રાન્ટમાંથી મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા RO વોટર કુલર ખરીદી કરી જિલ્લાની કડાણા અને સંતરામપુર સરકારી શાળાઓમાં લગાવવામાં આવ્યા છે. જોકે આ RO વોટર કુલર હલકી ગુણવત્તા વાળા હોવાના આક્ષેપ લાગતા સરકાર દ્વારા બાળકોને શુદ્ધ જળ આપવાના ઉદેશ સામે જળ સાથે છળ સામે આવતા બાળ સ્વાસ્થ સાથે ચેડાં થઈ રહ્યા છે.
ADVERTISEMENT
મહીસાગર જિલ્લામાં આવેલા આદિવાસી વિસ્તાર કડાણા અને સંતરામપુરમાં આવેલી શાળાઓના વિદ્યાર્થીઓની સ્વાસ્થ્યની ચિંતા કરી વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા રાજ્ય સરકારની પંદરમા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 21 શાળાઓ માટે વોટર કુલર વિથ RO ખરીદી કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત બે લાખની રૂપિયાની મર્યાદામાં 100 લીટર અને 150 લીટરના RO કુલર પ્રાથમિક શાળાઓમાં લગાવવા જણાવવામાં આવ્યું હતું અને આ વોટર કુલર વિથ RO પ્રાથમિક શાળાઓમાં ફિટ કરવામાં આવ્યા છે ત્યારે વોટર કુલર વિથ RO હલકી ગુણવત્તા વાળા હોવાના આક્ષેપ લાગ્યા છે.
બોલો… 21 RO માટે 37 લાખ ખર્ચ્યા
મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા આદિવાસી વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતા આદિવાસી બાળકોને શુદ્ધ પીવાનું ઠંડુ પાણી મળી રહે તેવો સરકારનો અભિગમ છે ત્યારે આવા સારા આશયથી જિલ્લા પંચાયત દ્વારા વોટર કુલર વિથ RO ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને 21 જેટલા વોટર કુલર વિથ ROની ખરીદી પાછળ એક વોટર કૂલર વિથ RO માટે એક લાખથી પોણા બે લાખ સુધીની કિંમતના ખરીદી કરવામાં આવ્યા છે. તમામ 21 વોટર કૂલર વિથ RO માટે લગભગ 37 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ચુકવવાની થાય છે ત્યારે લગાવવામાં આવેલા આ વોટર કૂલર વિથ RO હલકી ગુણવત્તાના લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે અને આવા મહીસાગર જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન બાબુ પટેલે આક્ષેપ લગાવ્યા છે.
સુરેન્દ્રનગરઃ સાયલામાં ડમ્પર-બાઈક ભટકાયા, અકસ્માત કે હત્યાનું રહસ્ય ઘૂંટાયું
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શું કહ્યું
મહીસાગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન બાબુ પટેલે ગુજરાત તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પંચાયતના સભ્યો દ્વારા વોટર કુલર વિથ RO સરકારની ગ્રાન્ટમાંથી લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ જે વોટર કુલર વિથ RO ફિટ કરવામાં આવ્યા છે. તેનું ટેન્ડર અગાઉના અધિકારી દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું અને આ બાબતની હું ચેરમેન હોવા છતાં મને જાણ કરવામાં આવી નથી. આ બાબતથી હું અજાણ છું પરંતુ જે વોટર કુલર વિથ RO પ્રાથમિક શાળામાં લગાવવામાં આવ્યા છે તે હલકી ગુણવત્તા વાળા છે. આ બાબતની જાણ મને શાળાના આચાર્ય તેમજ એસએમસી સભ્યો દ્વારા થઈ હતી અને જે બાબતે મૌખિક જાણ મેં મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરેલી છે અને આ વોટર કુલર વિથ ROનું પેમેન્ટ નહીં કરવા માટે જણાવ્યું છે.
બાળકોના સ્વાસ્થ સાથે ચેડાં ચલાવી લેવામાં આવશે નહીંઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
આ સમગ્ર મામલે ગુજરાત તક સંવાદદાતા દ્વારા મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી ડો અવનીબા મોરીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મારા કાર્યકાળ દરમ્યાન વોટર કુલર વિથ ROનું ટેન્ડર થયું નથી. માટે તેમાં ખરીદી માટે કઈ પ્રકારના સ્પેસિફિકેશન રાખવામાં આવ્યા છે તે બાબત મને ખબર નથી પરંતુ જ્યારે આ વોટર કુલર વિથ RO હલકી ગુણવત્તાના લગાવવામાં આવ્યા છે તેવું જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન, સ્કૂલના આચાર્ય તેમજ એસએમસીના સભ્યો દ્વારા મને જાણ કરવામાં આવતા હજી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ચલાવી લેવામાં આવશે નહીં અને વોટર કુલર વિથ ROમાં કોઈપણ પ્રકારની ગરબડી સામે આવશે તો ભવિષ્યમાં પણ પેમેન્ટ કરવામાં આવશે નહીં.
બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે લગાવવામાં આવેલ વોટર કુલર વિથ RO હલકી ગુણવત્તા વાળા લગાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ROપ લાગતા બાળકોના સ્વાસ્થ સાથે ચેડાં થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે તપાસ થાય તે જરૂરી છે અને જ્યારે એક વોટર કુલર પર બે લાખ રૂપિયા જેટલી મતાબર રકમ ખર્ચ કરવામાં આવી રહી છે ત્યારે ઉચ્ચ ગુણવત્તા વાળા વોટર કુલર વિથ RO બેસાડવામાં આવે તે જરૂરી છે.
અત્રે નોંધનીય છે કે આ સમગ્ર વિસ્તાર શિક્ષણમંત્રી ડો કુબેર ડિંડોરનો મત વિસ્તાર છે ત્યારે શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં બાળકોના સાવસ્થ્ય સાથે ચેડાં થાય તેવા ગુણવત્તા વગરના ROની ખરીદી કોણે કરી ? કેવી રીતે શાળા સુધી પહોંચ્યા ? કોણે ભ્રષ્ટાચાર આચરવાનો પ્રયાસ કર્યો ? ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે શું આ ગુણવત્તા વગરના ROનું પાણી પી રહેલા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કોણ કરશે ? શાળાના મુખ્ય શિક્ષકો જો તેનાથી બાળકોના આરોગ્યનું જોખમ હોય તો પરત મોકલવાની કાર્યવાહી કરશે કે કેમ ? જેવા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે પોતાના મત વિસ્તારના બાળકોના આરોગ્ય સાથે થતા ચેડાં રોકવા સમગ્ર મામલે શિક્ષણમંત્રી તપાસના આદેશ આપી દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાવડાવી દાખલો બેસાડે તેવી માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT