Mahisagar Cyber crime: મહીસાગર જિલ્લામાં બે દિવસમાં બે સાયબર ક્રાઇમ ગુના સામે આવ્યા આ બન્ને ગુનામાં સામેલ યુવાનોની સાયબર ક્રાઇમ સેલ પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ છે. સોશિયલ મીડિયા યુવાનો માટે આશીર્વાદ રૂપ છે ત્યારે કેટલાક યુવાનો સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરે છે. જેના કારણે આવા યુવાનો જેલના સળિયા પાછળ ધકેલાય છે. જેથી સોશિયલ મીડિયા આવા યુવાનોના પરિવાર માટે શ્રાપ રૂપ સાબિત થાય છે.
ADVERTISEMENT
મહીસાગર જિલ્લામાં સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઇમની બે દિવસમાં બે ઘટના સામે આવી છે, જેમાં એક ઘટનામાં યુવાન facebook મારફતે બેરોજગારોને નોકરી આપવાની લાલચ ચાપી છેતરપિંડી કરી રૂપિયા ઉઘરાવતો હતો, જ્યારે બીજી ઘટનામાં સોશિયલ મીડિયા મારફતે કોલેજમાં ભણતો યુવક instagram પર ફેક એકાઉન્ટ બનાવી યુવતીને અશ્લીલ ફોટા મોકલી પરેશાન કરતો હતો. જુદી જુદી બે ઘટનામાં પોલીસ ફરિયાદ થતાં મહીસાગર જિલ્લા સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં સાયબર ક્રાઇમ દ્વારા બંને ગુના ઉકેલી નાખી બંને ગુનામાં સંડોવાયેલા યુવાનની ધરપકડ કરવામાં આવી છે.
Gujarati News: ચોમાસાની વિદાય સાથે જ ગુજરાતમાં વધતો રોગચાળો
બેરોજગારોને રોજગારી આપવાના નામે ઠગતો ઠગ
વીસથી વધુ લોકોને નોકરીની લાલચ આપી પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરનાર આરોપીને મહીસાગર જિલ્લા સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા સાયબર ક્રાઇમના ગુના અટકાવવા તથા શોધવા તેમજ આવેલી ફરિયાદોની તપાસ કરી ગુન્હેગારને પકડી પાડવા સૂચના કરેલી હોય મહીસાગર જિલ્લા સાયબર ક્રાઇમ સેલ એક્શન મોડમાં આવી જઈને આવા ગુન્હેગારોને પકડી પાડવા સજજ બની છે.
જેના ભાગ રૂપે મહીસાગર જિલ્લાના સાયબર ક્રાઇમ સેલમાં અલગ અલગ અરજદારોની NCCRP PORTAL ઉપર નાણાકીય છેતરપીંડીની ફરિયાદ થયાની અરજીઓ આવી હતી. જે બાબતે મહીસાગર સાયબર ક્રાઇમ સેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના પો.સ.ઇ. ડી.વી. ખરાડી. તથા સ્ટાફના માણસોએ ઝીણવટ પુર્વક તપાસ કરતા જણાઇ આવ્યું કે સાગર કુમાર દિનેશગીરી ગોસાઇ કે જે બાવાના સાલીયા ગામ સંતરામપુર તાલુકાનો રહેવાસી તે ફેસબુક પરની જાહેરાતથી કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી માણસોના પૈસા ઓનલાઇન પોતાના બેંન્કના ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. જોકે રૂપિયા લઈને પણ તે નોકરી આપાવતો ન્હોતો અને બેરોજગાર યુવાનોને ઠગતો હતો. તેમજ લીધેલા રૂપિયા પણ પરત આપતો ન હતો. આ ઠગે અલગ અલગ જિલ્લાના વીસથી વધુ માણસોને નોકરી આપવાની લાલચ આપી ઠગી કરી બેરોજગારો પાસેથી ૭૦ હજાર રૂપિયા જેટલી છેતરપીંડી કરી હતી. જે બાબતે મહીસાગર જિલ્લા સાયબર ક્રાઈમ સેલ દ્વારા આરોપીને ટેકનિકલ સોર્સથી ઝડપી પાડ્યો છે અને લુણાવાડા તાલુકા કોઠંબા પોલીસ સ્ટેશનમાં કલમ ૪૨૦, આઇ.ટી. એક્ટ. ૬૬ડી મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી ઘટનામાં યુવતીને મોકલતો હતો અશ્નલીલ ફોટોઝ
કડાણા પો.સ્ટે. વિસ્તારમાં રહેતી એક યુવતીને તેના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર કોઇ અજાણ્યા નંબર પરથી અશ્લીલ મેસેજ તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કોઇએ હેરાન કરવાનું ચાલુ કર્યું હતું. જે બાબતે યુવતીએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ અરજી ફરિયાદ આપી હતી. જે બનાવ બાબતે સાયબર ક્રાઇમના ઇન્ચાર્જ પીઆઇ એમ.કે.ખાંટની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર સેલના પીએસઆઈ તથા સ્ટાફના માણસોએ ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કરી આ ફેક આઇ.ડી. બનાવી યુવતીને અશ્લીલ મેસેજ કરનાર યુવક સમર્થકુમાર ડાહ્યાભાઇ પટેલ હોવાનું શોધી કાઢ્યું હતું. આ સખ્સ કડાણા તાલુકાના લીંભોલા ગામનો રહેવાસી છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. જેને ઝડપી પાડી કડાણા પોલીસ સ્ટેશનમાં કલમ ૨૯૨, ૫૦૭, ૫૦૯, ૫૦૪ તથા આઇ.ટી. એક્ટ ની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી યુવાનની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT