Mahisagar News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે, જેના કારણે લોકો ચિંતિત બન્યા છે. નાની ઉંમરે જ યુવાનોને હાર્ટ એટેક આવીને મોત થવાના બનાવો ચોંકાવી રહ્યા છે. આ વચ્ચે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં પુત્રનું હાર્ટ એટેકથી મોત થતા, આઘાતમાં માતાનું પણ મોત થઈ ગયું. એક જ પરિવારમાંથી માતા-પુત્રની સાથે અંતિમ યાત્રા નીકળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
ADVERTISEMENT
56 વર્ષના પુત્રના મોતથી માતાને લાગ્યો આઘાત
વિગતો મુજબ, મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા દલવાઈ સાવગી ગામમાં 56 વર્ષના અશ્વિનભાઈ પટેલનું હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું. જોકે પુત્રનું મોત થતા માતાને આઘાત લાગ્યો. પુત્રનો મોતનો આઘાત સહન ન કરી શકતા માતાએ પણ 5 મિનિટમાં દેહત્યાગ કરી દીધો હતો. આમ માતા અને પુત્રની એક જ ઘરમાંથી સાથે અંતિમ યાત્રા નીકળી હતી. એક જ પરિવારમાંથી બે વ્યક્તિઓના મૃત્યુ થતા આખું ગામ શોકમય બન્યું હતું. માતા અને પુત્રની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
સોમવારે રાજકોટમાં તબીબને આવ્યો હતો હાર્ટ એટેક
નોંધનીય છે કે, સોમવારે પણ રાજ્યમાં 4 જેટલા લોકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. જેમાં રાજકોટમાં 22 વર્ષના તબીબને નાઈટ શિફ્ટ કરીને ઘરે આવ્યા બાદ રૂમમાં સૂવા ગયો અને હાર્ટ એટેક આવી ગયો. તો મહેસાણામાં પણ 17 વર્ષના સગીરને રાત્રે સૂતા બાદ હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું. સુરતમાં પણ બે લોકોના હાર્ટ એટેક આવતા મોત થઈ ગયા હતા.
ADVERTISEMENT