મહેમદાવાદના તંત્રએ થોડી અક્કલ અને થોડી મુર્ખતા સાથે પાણીની ટાંકી કરી ધ્વસ્ત, તો જુઓ શું થયું- Video

હેતાલી શાહ.ખેડાઃ આપણે ત્યાં આવું પહેલી વખત નથી થયું, અગાઉ પણ તંત્રએ પાણીની ટાંકી, ઈમારત વગેરે જર્જરિત બિલ્ડિંગ્સને પણ સફળતાથી અને કોઈ નુકસાન વગર ઉતારી…

gujarattak
follow google news

હેતાલી શાહ.ખેડાઃ આપણે ત્યાં આવું પહેલી વખત નથી થયું, અગાઉ પણ તંત્રએ પાણીની ટાંકી, ઈમારત વગેરે જર્જરિત બિલ્ડિંગ્સને પણ સફળતાથી અને કોઈ નુકસાન વગર ઉતારી છે અથવા કહો કે તોડી પાડી છે. પરંતુ અહીં તંત્રએ આ તમામ ઘટનાઓથી શીખવાને બદલે કઈ જાતનું એન્જિનિયરિંગનો નમૂનો રજૂ કરવો હતો કે ફાયદા ભેગુ નુકસાન પણ કરી દીધું છે. મહેમદાવાના ગંગનાથ મહાદેવ વિસ્તારમાં આવેલી જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ છે. લગભગ 30 થી 35 વર્ષ જૂની સાડા ચાર લાખ લિટર પાણીની ક્ષમતા વાડી પાણીની ટાંકી જર્જરિત થઈ હતી. એફ.એસ.એલ રિપોર્ટ આવ્યા બાદ તંત્રની હાજરીમા ટાંકી તોડી પાડવામાં આવી છે. ટાંકી જ્યારે પડે છે ત્યારનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા ટાંકી ધડામથી નીચે પડે છે. જોકે તંત્રએ આ તમામ કામગીરી સુઝબુઝથી કરી હોવાથી કોઈ જાનહાની નથી, પણ નુકસાન જરૂર કરી દીધું છે.

ટાંકી પડી સીધી રોડ પર, થાંભલાઓને પણ થયું નુકસાન

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને એક બાદ એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. જૂનાગઢની એક જ પરિવારના વિખાઈ જવાની ઘટના હજી પણ ભૂલાઈ નથી. જેને ધ્યાને રાખી ખેડા જિલ્લાની મહેમદાવાદ નગરપાલિકા સતર્ક બની અને જર્જરિત ટાંકીને સમય રહેતા ઉતારી લીધી છે. આ ટાંકી મહેમદાવાદ ગંગનાથ મહાદેવ વિસ્તારમા વાત્રક નદી તરફ જતા રોડ પર આવેલી હતી. જે આશરે 30થી 35 વર્ષ જૂની અને સાડા ચાર લાખ લિટર પાણીની ક્ષમતા વાળી પાણીની ટાંકી હતી. ટાંકી જર્જરિત થતા પાલિકા તંત્ર દ્વારા ટાંકીનો એફ.એસ.એલ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા કરાયેલા FSL રિપોર્ટમાં આ ટાંકી ખુબ જ જર્જરિત હોવાનું સામે આવતા પાલિકાએ સમયસુચકતા વાપરી આ ટાંકીને ઉતારી લેવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત આજે નગરપાલિકાના ચીફ ઓફિસર, કર્મચારીઓ તેમજ પોલીસ પ્રોટેક્શન સાથે આ ટાંકીની ઉતારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હીટાચી મશીન તથા લોખંડના મજબૂત રસ્સા વડે આ ટાંકીને ઉતારવાની કામગીરી શરૂ કરાઈ. જોકે જ્યાં ટાંકી છે તે વિસ્તારમાં મહાદેવનું મંદિર છે અને હાલ અધિક શ્રાવણમાસ હોય કોઈ અણબનાવ ન બને એ માટે રસ્તો પણ બંધ કરાયો હતો. ટાંકી એટલી જર્જરીત હતી કે, દોરડા વડે ખેંચવાથી જ ટાંકી ગણતરીની સેકંડોમાં જમીનદોસ્ત થઈ જાય છે. જોકે ટાંકી એમ.જી.વી.સી.એલના થાંભલા પર પડે છે. જેથી થાંભલો, ડિવાઈડર, રોડ અને વીજ વાયરને પણ નુકસાન થાય છે. પરંતુ ટાંકી ઉતારવાની કામગીરીમાં MGVCL દ્વારા અગાઉથી જ વીજ લાઈનોને બંધ કરી દેવામાં આવી હતી. જેને લઈ કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. ટાંકીનો કાટમાળ મુખ્ય રસ્તા પર પડતા હાલ આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ થયો છે અને ટાંકીના કાટમાળને ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ટાંકી પાડતા પહેલા તે કઈ દિશામાં પાડવી તે સહિતના ગણિત માંડી લેવાયા હોત તો વધુ સેફ અને નુકસાન વગર તેને ઉતારી શકાઈ હોત તેવું અગાઉની ઘટનાઓ પરથી શીખી લેવા જેવું હતું.

UKના ફ્રેન્ડને કસ્ટમથી છોડાવામાં ગુજરાતી શિક્ષિકાએ ગુમાવ્યા રૂ. 80 લાખ, જાણો સમગ્ર મામલો

તો આ તરફ ટાંકી તોડવામાં આવનાર હોવાની જાણ સ્થાનિકોને થતા મોટી સંખ્યામાં નગરજનોના ટોળેટોળા ઘટના સ્થળે ટાંકી પડતી જોવા માટે ઉમટ્યા હતા. જેને લઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા રસ્તાઓને બંધ કરી, નગરજનોની ભારે ભીડને કંટ્રોલ કરી આ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરાયુ હતું. મહત્વનુ છે કે, જર્જરિત ટાંકી તોડી પાડવામાં આવતા સ્થાનિકોને પાણીની તકલીફ પડી શકે એમ હોવાથી પાલિકાએ હાલ નજીકમાં ઓછા લીટરની બીજી ટાંકી જે ચાલુ છે, એનાથી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે અને નવી બીજી ટાંકી માટે પાલીકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ પર ધરી દેવામાં આવી છે.

    follow whatsapp