લુણાવાડામાં ચિલ્ડ્રન હોમમાંથી પોક્સોના ગુનામાં ભોગ બનેલી બે સગીરાઓ ગુમ થતાં ચકચાર

વીરેન જોશી/મહિસાગર: મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં આવેલ ચીલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી સગીર વયની બે કિશોરીઓ ગુમ થતાં ચકચાર મચી જવા પામી છે. પ્રોબેશન ઓફિસરે લુણાવાડા…

gujarattak
follow google news

વીરેન જોશી/મહિસાગર: મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં આવેલ ચીલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી સગીર વયની બે કિશોરીઓ ગુમ થતાં ચકચાર મચી જવા પામી છે. પ્રોબેશન ઓફિસરે લુણાવાડા પોલીસ મથકે કોઈ અજાણ્યા ઇસમે સંસ્થામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મહિસાગર જિલ્લા મથક લુણાવાડામાં આવેલા ચીલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના પ્રોબેશન ઓફિસર શિલ્પા જોષીએ લુણાવાડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, મહિસાગર જિલ્લામાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થામાં અલગ અલગ જીલ્લાઓમાંથી અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાના કામની છોકરીઓ મુકતા હોય છે. જેમાં રાત્રિના ગૃહમાતાએ પ્રોબેશન ઓફિસરને મોબાઈલ ફોન કરી જણાવ્યું હતું કે, ઝાલોદ પોલીસ મથકની તેમજ પાવાગઢ પોલીસ મથકની પોકસો એક્ટ હેઠળની ભોગ બનનાર સગીર વયની બે બાળાઓ બંને સંસ્થામાં જોવા મળતી નથી. જેની જાણ થતાં સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવી નીનામાને કરી હતી અને સાથી કર્મચારીઓ સાથે શોધખોળ શરૂ કરી હતી.

આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં બે સગીર વયની બાળાઓ ન મળી આવતા લુણાવાડા પોલીસ મથકે અજાણ્યા ઇસમે સંસ્થામાંથી લલચાવી ફોસલાવી કે કોઇપણ કારણસર અપહરણ કરી અંગેની ફરિયાદ નોંધાવી છે. લુણાવાડા પોલીસ મથકે કોઇ અજાણ્યા ઇસમે સંસ્થામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ ચીલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના પ્રોબેશન ઓફિસરે નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે નોંધનીય છે કે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ લુણાવાડામાં કુલ 9 છોકરીઓ તેમજ કાળજી અને રક્ષણ વાળી બાળકીઓ 14 મળી કુલ 23 છોકરીઓ છે. હાલ લુણાવાડા પોલીસે સુરક્ષામાં બંદોબસ્ત મૂકી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ સંસ્થા લુણાવાડા શહેરના એકાંત વિસ્તારમાં આવેલ હોઇ બાળકીઓની સુરક્ષાને લઈ અનેક સવાલો ઊભા થયા છે.

    follow whatsapp