વિરેન જોશી.લુણાવડાઃ લુણાવાડામાં ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી કરનાર જે પી પટેલ સામે ભ્રષ્ટાચાર બાબતે આરોપ લગાવતી પત્રિકા વાયરલ થઈ છે. બીજા તબક્કાની ચૂંટણીને હવે થોડા જ કલાકો બાકી છે ત્યારે આ પ્રકારની રાજનીતિ પણ લોકોને અહીં જોવા મળી છે.
ADVERTISEMENT
ભ્રષ્ટાચારના આરોપ
લુણાવાડામાં એક ફરતી થયેલી પત્રિકાને કારણે રાજકારણ ફરી ગરમાયું છે. ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી ત્યારે અપક્ષ ઉમેદવાર જે પી પટેલની ભ્રષ્ટાચારના પોલ ખોલતી હોય તેવી પત્રિકા વાયરલ થતા લુણાવાડા વિધાનસભા બેઠક માટે રાજકારણ ગરમાયું છે. પત્રિકામાં આરોપ લગાવવામાં આવ્યા કે જે પી પટેલે જિલ્લા ભાજપ પ્રમુખનો લાભ લઈ ગોઠીબ ગામે સરકારી જમીનમાં પેટ્રોલ પંપ બનાવી દીધો છે.
પાટીદાર આગળ આવવો ન જોઈએઃ પત્રિકામાં આરોપ
ઉપરાંત જે પી પટેલ અને તેમના પત્ની સ્કૂલમાં નોકરી કરે છે છતાં પણ સ્કૂલમાં ગયા વગર લાખ્ખો રૂપિયા સરકારનો પગાર લે છે. ૨૦૧૭માં મનોજ પટેલને લુણાવાડા વિધાનસભા બેઠક માટે ટિકિટ આપતા જે પી પટેલે પક્ષ વિરોધી કામ કરી ભાજપના ઉમેદવારને હરાવી દેવામાં ભાગ ભજવ્યો હોવાનો પણ આરોપ લગાવાયો છે. લુણાવાડા વિસ્તારમાં પાટીદાર કોઈ આગળ ના આવવો જોઈએ તેવી નીતિ જે પી પટેલ અખતિયાર કરતા હોવાનો પણ પત્રિકામાં ઉલ્લેખ થયો છે.
‘જે પી પટેલને સત્તાનો લોભ’
પત્રીકામાં આરોપ છે કે, સંતરામપુર વિધાનસભાની 2007માં ટિકિટ પણ ભાજપ આપી છતાં હારી ગયા હતા. તેમના જ વિસ્તારમાં કશું ના ચાલ્યું એટલે વિસ્તાર છોડી લુણાવાડામાં ભાજપમાંથી ટિકિટની માંગણી કરી પરંતુ ભાજપ દ્વારા ટિકિટ ન અપાતા બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી છે. છેલ્લા કેટલાય વર્ષોથી સત્તા પર હોવા છતાં પણ સત્તાના લાલચું છે, માત્ર ને માત્ર પોતેજ સત્તા જોઈએ છે.
આવા તમામ ઉલ્લેખ સાથે પત્રિકા સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે. ચૂંટણીના દિવસો નજીક આવતા ઉમેદવારોની ભ્રષ્ટાચારની પોલ ખોલતી પત્રિકા વાયરલ થઈ રહી છે ત્યારે આ પત્રિકા યુદ્ધ ઉમેદવારને કેટલી નુકસાનકારક રહેશે તેમજ મતદારો પર આ પત્રિકાઓની કેટલી અસર થશે તે જોવું રહ્યું.
ADVERTISEMENT