સુરત: સુરતમાં યુવતીની સગાઈ થતા પૂર્વ પ્રેમીએ તેના સાસરીમાં ફોન કરીને સગપણ તોડાવવાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પૂર્વ પ્રેમીએ યુવતીના લગ્ન નક્કી થયા તે સસરા પક્ષમાં ફોન કરીને કહ્યું, તમારા છોકરાનું જે છોકરી સાથે નક્કી થયું છે તે સારી નથી, મારે તેની સાથે પ્રેમસંબંધ છે. તેના લગ્ન પહેલા હું તેને લઈ જઈશ.’ આ સાથે યુવકે યુવતી અને તેના પરિવારને ધમકી આપીને અપશબ્દો કહેતા લાલગેટ પોલીસમાં ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
3 વર્ષ પહેલા યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા
લાલગેટ વિસ્તારમાં 22 વર્ષની યુવતીને કેટરિંગમાં કામ કરતા યુવક મનોજ ભદોરિયા સાથે 3 વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે 6 મહિના પહેલા જ યુવતીને મનોજ પરિણીત હોવાની જાણ થતા તેણે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. આથી મનોજ તેને ફોન કરીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જ્યારે યુવતીની સગાઈ થઈ તો તેની સાસરીમાં પણ ફોન કરીને હેરાન કરતો હતો.
યુવતીએ સંબંધ તોડતા પરિવારને હેરાન કરતો
આ સાથે મનોજ યુવતીના ફોટો વાઈરલ કરી દેવાની ધમકી આપી પરિવારના સભ્યોને અપશબ્દો બોલીને હેરાન કરતો હતો. બાદમાં યુવતીની માતા અને બહેનને ફોન કરીને પણ ધમકી આપી. જેથી યુવતીએ પૂર્વ પ્રેમી મનોજ વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT