મોડાસા: લગ્ન ઈચ્છુક યુવકોને ફસાવીને પૈસા તથા દાગીના સહિતની રોકડ લઈને ભાગી જતી લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોડાસાના યુવકના લગ્ન ન થતા ખેતરમાં કામ કરતી યુવતી સાથે લગ્ન નક્કી થયા હતા. આ માટે 2 લાખ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. જોકે લગ્નના બે દિવસ બાદ જ યુવતી દાગીના, રોકડ રકમ તથા મોબાઈલ લઈને ફરાર થઈ ગઈ હતી. જે બાદ છેતરાયેલા યુવકે મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
દહેગામની યુવતી સાથે લગ્ન કર્યા હતા
વિગતો મુજબ, મોડાસાના સગરવાડામાં રહેતો સુમન પ્રજાપતિ અમદાવાદ નજીકની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સુમનના લગ્ન ન થતા હોવાથી પરિવાર ચિંતામાં હતો. એવામાં કઠલાલમાં રહેતા તેના બનેવીનો દહેગામના નટુ ઠાકોર સાથે સંપર્ક થયો હતો જેમણે લગ્ન ઈચ્છુક યુવકોના લગ્ન કરાવી આપતા હોવાનું જણાવ્યું હતું. આથી સુમનના બહેન-બનેવી તેમના ઘરે ગયા હતા. જ્યાં નટુ ઠાકોરે તેમને ખેત મજૂરી કરતી યુવતી બતાવી હતી.
લગ્નના દાપા પેટે રૂ.2 લાખ ચૂકવ્યા
તમામે યુવતીની માસી સાથે વાત કરી અને લગ્નના દાપા પેટે રૂ.2 લાખ માગ્યા હતા. ઉપરાંત લગ્નનો તમામ ખર્ચો પણ સુમનના પરિવાર ઉઠાવવાની વાત કરી હતી. જે બાદ યુવક-યુવતીના અસારવાના એક ચેરિટેબલ ટ્રસ્ટમાં લગ્ન થયા હતા. આ માટે વકીલને રૂ.25 હજાર તથા મહારાજને પણ રૂ.10 હજાર ચૂકવાયા હતા.
લગ્નના ત્રીજા દિવસે જ બતાવ્યો પરચો
જોકે લગ્નના ત્રીજા જ દિવસે યુવતી રોકડ, દાગીના તથા મોબાઈલ લઈને ફરાર થઈ ગઈ હતી. યુવકે તપાસ કરીને યુવતીની માસીને ફોન કરતા તેમણે હોળી પછી લઈ જવા કહ્યું. જોકે હોળી બાદ ફોન કરતા માસીએ સામે તેને જાનથી મારી નાખવાની અને યુવતીને ભુલી જવાની ધમકી આપી હતી. પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા આખરે યુવકે મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT