Lok Sabha Election: લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયેલો છે કારણ કે રાજકોટ ખાતે જાહેર કરવામાં આવેલ ભાજપના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથવાત છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે પહેલા દિવસની મુલાકાતમાં PM મોદીએ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગુજરાત ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ હિંમતનગરમાં જાહેરસભા સંબોધી હતી. PM મોદીએ હિંમતનગરમાં સંબોધનની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે કરી હતી.
ADVERTISEMENT
દેશ માટે હું માત્ર સેવક છું: PM મોદી
સાબરકાંઠામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારો સાબરકાંઠા સાથે ઘણો જૂનો સંબંધ છે, પેઢીઓ બદલાઈ ગઈ, છતાં તેમનો મારા પ્રત્યેનો પ્રેમ હજુ એમનો એમ જ છે. તમારા આશીર્વાદના કારણે મને તમારા પર ખૂબ ભરોસો છે. કદાચ વિશ્વના લોકો મને વડાપ્રધાન તરીકે ઓળખતા હશે, પરંતુ દેશ માટે હું માત્ર સેવક છું. હું દેશવાસીઓ માટે સેવાનું વ્રત લઈને નીકળ્યો છું. હું અહીં અનેકવાર આવ્યો છું, પણ હું આજે તમારી પાસે કંઈ માંગવા માટે આવ્યો છે. દેશ ચલાવવા મને સાબરકાંઠા પણ જોઈએ અને મહેસાણા પણ જોઈએ. મને ખાતરી છે કે, તમે બધા સાતમી તારીખે અભૂતપૂર્વ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશો.
'આગ દેશમાં નહીં, પરંતુ કોંગ્રેસના દિલમાં લાગી છે'
આ સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પણ જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના લોકો દેશની પ્રજાને ડરાવતા હતા, તેઓ કહેતા કે રામ મંદિરનું નિર્માણ થશે તો આગ લાગી જશે, પરંતુ પ્રભુ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ અને દેશમાં તેની ખૂબ જ ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવી, શું ક્યાંક કોઈપણ લાગી નહીં? કોઈ વિવાદ થયો? કોંગ્રેસ ફક્ત મત મેળવવા માટે લોકોને ડરાવતી આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, આગ દેશમાં નહીં, પરંતુ કોંગ્રેસના દિલમાં લાગી છે, જેને કોઈપણ બુઝાવી નહીં શકે.
'મારે તમારું વીજળી અને પેટ્રોલનું બીલ ઝીરો કરી દેવું છે'
આ સભા દરમિયાન વડાપ્રધાન મોદીએ એક ગેરંટી પણ આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મારે તમારું વીજળી બિલ ઝીરો કરવું છે, પેટ્રોલનું બિલ ઝીરો કરવું છે. વાતો હવામાં નથી આપણી પાસે યોજના છે. પી.એમ સૂર્યજલ અંતર્ગત પૈસા આપે અને તમે સોલારની મદદથી વીજળી પેદા કરો તમારી જેઈએ વાપરો વધારાની સરકાર ખરીદશે અને કમાણી કરો.
વડાપ્રધાન મોદીએ ડીસાની જનસભામાં શું કહ્યું?
આ પહેલા વડાપ્રધાન મોદીએ ડીસાની જનસભાને સંબોધી હતી. આ સભા સાથે તેમણે ગુજરાત ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. તેમણે સંબોધનની શરૂઆત મા અંબાના જયકાર સાથે કરી હતી. અહી તેમણે કહ્યું કે, વર્ષ 2014માં હું પહેલી વાર લોકસભા ચૂંટણી મેદાનમાં આવ્યો ત્યારે કોંગ્રેસના મુદ્દા હતા કે, આ ચા વાળો, ગુજ્જુ, દાળભાત ખાનારો શું કરી શકશે, ચૂંટણીમાં પ્રચારમાં તેઓ મારી મજાક ઉડાવતા હતા પરંતુ જનતાએ એવો જવાબ આપ્યો છે. કોંગ્રેસ એક સમયે 400 બેઠકો જીતતી હતી, આજે 40 પર આવી ગઈ છે.
આવતીકાલનો PM મોદીનો ગુજરાત પ્રવાસ
- સવારે 10.00 કલાકે - આણંદ
- બપોરે 12.00 કલાકે - વઢવાણ
- બપોરે 2.15 કલાકે - જૂનાગઢ
- સાંજે 4.15 કલાકે - જામનગર
ADVERTISEMENT