Gandhinagar News: દેશમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 05 જાન્યુઆરી 2024ના રોજ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે. જેમાં 1503 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,54,69,723 પુરૂષ અને 2,39,78,243 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 6,89,760 જેટલા નવા મતદારો નોંધાયા છે.
ADVERTISEMENT
ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી યોજાયો હતો કાર્યક્રમ
ચૂંટણી પંચની સૂચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તા.27 ઓક્ટોબરથી તા.09 ડિસેમ્બર, 2023 સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 યોજાયો હતો. તા.27 ઑક્ટોબર, 2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 મહિલા અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા હતા.
નોંધાયા કુલ 4.94 કરોડ મતદારો
તા.05 જાન્યુઆરી, 2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર 2,54,69,723 પુરૂષ, 2,39,78,243 મહિલા તથા 1,503 ત્રીજી જાતિના મળી 4,94,49,469 કુલ મતદારો નોંધાયેલા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં તા.01 જાન્યુઆરી, 2024ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા 3,14,735 પુરૂષ, 3,74,971 લાખ સ્ત્રી તથા 54 ત્રીજી જાતિના મળી કુલ 6,89,760 મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત અવસાન પામેલા 1,53,958 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જ્યારે 4,60,153 મતદારોની વિગતોમાં સુધારા કરવામાં આવ્યા છે.
હજુ પણ મતદાર યાદીમાં દાખલ થઈ શકે છે નામ
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન Voter Helpline App અને વેબસાઇટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે.
ADVERTISEMENT