Parshottam Rupala Controversy: ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપ અને ખાસ રૂપાલાની મુશ્કેલી વધારી રહ્યો છે. ધંધુકામાં ક્ષત્રિયોનું મળેલું મહાસંમેલન એ માત્ર સંમેલન નહીં પણ શક્તિ પ્રદર્શન સાબિત થયું. બીજી તરફ એ વાતની ચર્ચાએ જોર પક્ડયુ છે કે ગમે તે થાય પણ ભાજપ રૂપાલાને જ ચૂંટણી લડાવવા મક્કમ છે અને કદાચ એટલા માટે જ પરસોત્તમ રૂપાલાએ ધીમી ગતિએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આમ તો રાજકોટમાં ભાજપને પ્રચારની જરૂર ઓછી પડે છે પણ ઉકળતા ચરુ જેવા વિવાદના કારણે હવે રૂપાલા જેવા નેતાઓએ પણ પ્રચાર કરવાની જરૂર પડી છે. વિવાદના વંટોળ વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે જે ક્ષત્રિયોનો આક્રોષ વધારે તો નવાઈ નહીં...
ADVERTISEMENT
રૂપાલા ચૂંટણી લડવા મક્કમ
ભાજપ રૂપાલાને ચૂંટણી લડાવવા મક્કમ હોવાની વાતની પુષ્ટી ત્યારે થઈ જ્યારે ભાજપે પરસોત્તમ રૂપાલાની ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી. વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા આગામી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. માત્ર ફોર્મ ભરશે એટલું જ નહીં પણ ભાજપ શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે. ભાજપે કરેલી જાહેરાત પ્રમાણે પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટ બહુમાળી ભવન ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા.
આનો મતલબ શું?
ભાજપની આ જાહેરાતનો સીધો મતલબ એ થઈ શકે કે ગમે તેટલો વિવાદ થાય પણ ભાજપ રૂપાલાને લડાવવા મક્કમ છે. રૂપાલાની ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીને ભાજપ જાણે આત્મવિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યું છે કે ટૂંક સમયમાં આ વિવાદનો અંત આવશે. જોકે હાલના સંજોગો પ્રમાણે આ વિવાદનો ટૂંક સમયમાં અંત આવશે તેવા કોઈ એંધાણ નથી. પરંતુ ભાજપે રૂપાલા માટે શરૂ કરેલી તૈયારીઓ આ આગમાં ઘી હોમવાનું કામ કરે તો નવાઈ નહીં. કારણ કે રૂપાલા સાહેબની 3 વખતની માફી, પાટીલની હાથ જોડીને કરેલી વિનંતીને પણ ક્ષત્રિય સમાજ નકારી ચૂક્યું છે તેવામાં આ જાહેરાત આ વિવાદને વધુ તૂલ આપશે તેવી વાતો લોકમૂખે ચર્ચાવા લાગી છે.
હવે શું થઈ શકે?
ધંધુકામાં મળેલા સંમેલનમાં ક્ષત્રિય સમાજના વડાઓએ કરેલા હુંકારથી એ સાબિત થાય છે કે આ વિવાદનો અંત રૂપાલાના બેકફૂટથી જ થશે. જો ક્ષત્રિય સમાજ ભાજપના પ્રયાસથી માની જાય તો તો વિવાદનો અંત આવી શકે પણ જો ક્ષત્રિય સમાજની નારાજગી યથાવત્ રહી તો ભાજપ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. કારણ કે એ વાતને નકારી શકાય નહીં કે ગુજરાતમાં ક્ષત્રિયના મતની સંખ્યા 70 લાખ છે. જો ભાજપ ક્ષત્રિય સમાજને મનાવવામાં નિષ્ફળ રહ્યું તો ભાજપને માત્ર રાજકોટ નહીં પણ અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર જેવી સીટ પર પણ નુક્સાન ભોગવવાનો વખત આવી શકે છે.
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT