Rajkot Lok Sabha Election: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, કોંગ્રેસે હજુ અમુક બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. એવામાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે છે એવી ચર્ચા થઈ હતી. જોકે, પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારે હવે આજે રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને લડાવવા માટે રાજકોટ કોંગ્રેસની ટીમ અમરેલી પહોંચી છે. જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ હાજર છે.
ADVERTISEMENT
રૂપાલા ચૂંટણી લડે તો તમારે લડવાનું છે: કગથરા
આ દરમિયાન લલિત કગથરાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, અમે પરેશભાઈને કહીએ છીએ કે રૂપાલા ભાઈનું જે વાતાવરણ બન્યું છે, એટલે તમારે લડવાનું છે. રાજકોટ બેઠક પર રૂપાલા ચૂંટણી લડે તો જ ધાનાણી ભાઈએ લડવાનું છે. સંજોગો વસાત પરસોત્તમ રૂપાલાનું ચૂંટણી લડવાનું કેન્સલ થાય તો અમે પરેશને સામેથી કહી દઈએ કે પરેશભાઇ તમારે નથી લડવાનું.
રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ
આપને જણાવી દઈએ કે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે. આખો ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાની સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાત ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. ક્ષત્રિયોની એક જ માંગ છે કે ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે. બીજી તરફ એ વાતની ચર્ચાએ જોર પકડ્યું છે કે ગમે તે થાય પણ ભાજપ રૂપાલાને જ ચૂંટણી લડાવવા મક્કમ છે અને કદાચ એટલા માટે જ પરસોત્તમ રૂપાલાએ ધીમી ગતિએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
આ પણ વાંચોઃ Paresh Dhanani સુપર એક્ટિવ, સોશિયલ મીડિયા પર BJP પર કર્યા પ્રહાર
16 એપ્રિલે રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ
ભાજપ રૂપાલાને ચૂંટણી લડાવવા મક્કમ હોવાની વાતની પુષ્ટી ત્યારે થઈ જ્યારે ભાજપે પરસોત્તમ રૂપાલાની ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ. વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા આગામી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. માત્ર ફોર્મ ભરશે એટલું જ નહીં પણ ભાજપ શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે. ભાજપે કરેલી જાહેરાત પ્રમાણે પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટ બહુમાળી ભવન ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
ઈનપુટઃ ફારુક કાદરી, અમરેલી
ADVERTISEMENT