નીતિન ગોહિલ ભાવનગરઃ ભાવનગર શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે ભારે વરસાદ વચ્ચે ભાવનગર શહેરના લાલ ટાંકી વિસ્તારમાં કડાકા સાથે વીજળી પડી હતી. વીજળી પડ્યાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટનામાં જ્યાં વીજળી પડી હતી ત્યાં કોઈ જાનહાની થયાના અહેવાલ નથી પરંતુ અન્ય એક અહેવાલમાં એક વ્યક્તિના મૃત્યુની માહિતી મળી રહી છે. ભાવનગરના ઘોઘા તાલુકામાં અંધારિયાવડ ગામે ખેતરમાં વીજળી પડવાની એક ઘટના બની હતી. જેમાં 22 વર્ષના એક યુવાનનું મૃત્યુ થયું છે.
ADVERTISEMENT
ખેડૂતનું થયું વીજળી પડતા મોત
ભાવનગરમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની બે ઘટનાઓ સામે આવી છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘોઘા તાલુકામાં અંધારિયાવડ ગામ ખાતે રહેતા સુજનભાઈ ખીમજીભાઈ જેઠવા કે જે ખેડૂત છે. તેઓ હાલમાં શાકભાજી ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે જ અચાનક તેમા પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. 22 વર્ષના સુનજભાઈ જેઠવાનું મૃત્યુ પરિવાર માટે ભારે આઘાતજનક હતું. પરિવારમાં આ કારણે શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ આ મામલામાં મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ તરફ શહેરના લાલ ટાંકી વિસ્તારમાં કડાકા સાથે વીજળી પડવાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જોકે આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થયાના અહેવાલ મળ્યા નથી.
જૂનાગઢઃ મેંદરડા, માંગરોળ, મણાવદરમાં 8થી 10 ઈંચ વરસાદ, PSIએ લોકોની કરી મદદ
ભાવનગર શહેરમાં આજે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે બપોરના સમયે ગાજવીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો અને બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાવનગર ઉપરાંત જિલ્લાના વલભીપુરમાં 4 ઇંચ, સિહોરમાં બે ઇંચ, ઘોઘામાં પોણા બે ઇંચ અને ઉમરાળામાં એક ઇંચ વરસાદ પડયો હતો.
ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ બંધાયો હતો. સવારના સમયે ઝરમર વરસાદ પડ્યા બાદ બપોરના બાર વાગ્યા આસપાસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને બે વાગ્યા સુધીમાં 80 મી.મી. જેટલો વરસાદ ખાબકી જતા સર્વત્ર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે વાહનચાલકો અટવાયા હતા. ધોધમાર વરસાદના પગલે શહેરના મોટા ભાગના વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તો એક ફુટ સુધી પાણી ભરાતા વાહન પણ ચાલી શકે તેવી સ્થિતિ જોવા મળી હતી.
ભાવનગર ઉપરાંત જિલ્લાના વલભીપુરમાં ૪ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સિહોરમાં ૪૪ મી.મી., ઘોઘામાં ૩૯ મી.મી., ઉમરાળામાં ૨૪ મી.મી. તેમજ જિલ્લાના અન્ય તાલુકામાં અડધા ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT