વીરેન જોશી.મહીસાગરઃ કડાણા મામલતદાર કચેરીમાં નોકરી કરતા દલિત સમાજના ક્લાર્ક કર્મચારીએ આત્મહત્યા કરી લેતા આ મામલે તપાસ કરવા અને કસૂરવાર વિરુદ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવા મહીસાગર જિલ્લાના દલિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા મહીસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ક્લાર્ક દ્વારા ઉપરી અધિકારીઓ અપમાનજનક ભાષામાં વાત કરતા અને માનસીક હેરાનગતી કરતા હોવા અંગે મુખ્યમંત્રી ઓફિસમાં રજૂઆત કરી હતી. જોકે મુખ્યમંત્રી ઓફિસમાંથી કાર્યવાહી કરવાનો જવાબ આવ્યો ત્યાં સુધી તો આ ક્લાર્કે દુનિયા જ છોડી દીધી હતી.
ADVERTISEMENT
મહીસાગર જિલ્લા કડાણા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજવતા અને મૂળ અમદાવાદના વતની અલ્પેશ માળીએ તેમના ઉપલા અધિકારીઓ સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ અને પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ લગાવી ગુજરાતના મુખ્યમંત્રીને 21 જાન્યુઆરીએ લેટર લખી લેખિતમાં જાણ કરી હતી. જાણ કર્યા બાદ 29 જાન્યુઆરીએ કડાણા મામલતદાર કચેરીના કલાર્ક કર્મચારીએ બાલાસિનોરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં નોંધ પણ કરવામાં આવી હતી. અલ્પેશ માળીના મુખ્યમંત્રીને લખેલ પત્ર પર મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ પણ આવ્યા હતા ત્યારે કોઈપણ પ્રકારની તપાસ થઈ કે કેમ તે પણ રહસ્ય છે ત્યારે હવે અલ્પેશ માળીના રહસ્યમય મોત વીશે મીડિયામાં સમાચાર આવ્યાં બાદ આ સમગ્ર મામલે દલિત સમાજ આકરા પાણીએ છે અને મહિસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે.
દલિત સમાજે આવેદનમાં શુ લખ્યું
દલિત સમાજે આવેદનમાં લખ્યું કે, અમારા દિલત સમાજના એક યુવાન વયના ક્લાર્ક આલ્પેશ પુનમચંદ માળી (હિન્દુ વણકર) કે જેઓ કડાણા મામલતદાર કચેરી ખાતે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતા. તથા તેઓને તેઓની ચાલુ નોકરી દરમ્યાન તેઓના ઉપરી અધિકારીઑ દ્વારા હેરાન પરેશાન કરી જાતિવાચક શબ્દોથી અપમાન કરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું તેઓની તા -21 / 01 / 2023 ની અરજીથી મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબને જાણ કરેલી હતી કે મને મારા ઉપરી અધિકારીઓ કૌશિક જાદવ પ્રાંત અધિકારી તથા શૈલેષ પટેલ ઓપરેટર દ્વારા જાતિવાચક શબ્દોથી અપમાન કરવું, ખોટી ખોટી નોટિસ આપવી, પગાર ન કરવો અને પોતાના અંગત કામો માટે હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ માનસિક ત્રાસને કારણે કંટાળીને તેઓ કોઈ પણ પગલું ભરે તો સમગ્ર જવાબદારી અરજીમાં આક્ષેપ કરેલા અધિકારીઓની રહેશે તેવું લખીને તા -29 / 01 / 2023 ના રોજ અમારા આ દિલત સમાજના યુવા ક્લાર્ક જેમણે બાલાસિનોર ખાતે તેમના ઘરે રહસ્યમય સંજોગોમાં મોત થયેલું હોવાનું સમાચારપત્રોમાં પ્રસારિત થયેલ છે. જેથી આ સમગ્ર મામલે નીચે મુજબના મુદાઓની ઘનિષ્ઠ તપાસ કરાવવા અને જો કોઈ દોશી ઠરે તો આગળની કાર્યવાહી કરવા અમો સમગ્ર અનુસુચિત સમાજની માંગ છે .
શું છે દલીત સમાજની માંગો
૧.આ ક્લાર્ક કેટલા સમયથી રેવન્યુ ખાતામાં નોકરી કરતા હતા? ર. ગુજરનાર કડાણામાં નોકરી કરતાં અગાઉ કેટલા સમય આની તાલુકાઓમાં નોકરી કરેલી છે ? અને સબંધિત તાલુકાઓમાં આ કર્મચારીને કોઈ નોટીસો આપવામાં આવતી હતી કે કેમ ? ૩. કડાણા તાલુકામાં નોકરી કરતાં અગાઉના તાલુકાઓમાં તેઓ સાથે આવો કોઈ બનાવ બનેલ છે કેમ ? ૪.જો અગાઉના તાલુકાઓમાં સારી રીતે નોકરી કરેલ હોય તો કડાણા તાલુકામાં જ કેમ આવે નોટીસો આપી જાતિવાચક અપમાન કરી હેરાન પરેશાન કરવામાં આવ્યા હશે ? તેની તપાસ પ.તાલુકામાં અને જીલ્લામાં નોકરી કરતાં અન્ય અનુસુચિત જાતિ સમાજના કર્મચારીઓને માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે કે કેમ ? ૬.અનુસુચિત જાતિ સમાજના અન્ય કર્મચારીઓના નિવેદનો લઈ તપાસ કરવી . ૭. અન્ય સમાજના કર્મચારીઓને પણ આવી રીતે હેરાન પરેશાન કરાય છે કે કેમ તેની તપાસ. ૮. આ ઓપરેટર અને પ્રાંત અધિકારી કૌશિક જાદવ દ્વારા તેઓની ફરજ દરમિયાન કેટલા કર્મચારીઓને નોટીસો આપવામાં આવી તે સાચી છે કે કેમ તેની તપાસ , ૯.મૃતક સરકારી કર્મચારીએ મરતાં અગાઉ સેલ્ફ ડીકરેશન કરેલું હોય અને જવાબદારો સામે કાર્યવાહી કરવા વિનંતી કરવા છતાં આપેપીતોની કોઈ ધરપકડ કરવામાં આવેલી નથી કે ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી કરવા અમારી માગ છે . ૧૦.આ અધિકારી કૌશિક જાદવ ઓપરેટર શૌલેષ પટેલ પોતાના હોદ્દા પર ચાલુ હોવાથી પોતાની લાગવગનો ઉપયોગ કરીને સમગ્ર મામલો દબાવવાની કોશિષ કરે તેવુ જણાય અવે છે તેથી તેમને તાત્કાલીક ડીસમીસ કરવામાં આવે અને ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવી અમારી માંગ છે .
ઉપર પ્રમાણેની તપાસ કરી આવા અનુસુચિત જાતિ સામે ઝેર ઓકતા નફરત ધરાવતા અધિકારી કૌશિક જાદવ અને આપરેટર શૈલેપ પટેલ મૃત્યુ માટે દુપ્રેરણા, ચાલુ ફરજ દરમિયાન કામગીરીમાં વિક્ષેપ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા મહીસાગર જીલ્લાના સમગ્ર અનુસુચિત જાતી સમાજની માગણી છે.
શું હતો સમગ્ર મામલો
એ.પી.માળી કલાર્ક મામતદાર કચેરી કડાણા તા.કડાણા જી.મહિસાગર તા .૨૧ / ૦૧ / ૨૦૨૩એ ઉપલા અધિકારીઓ ઘ્વારા માનસીક ત્રાસ આપવા બાબતે ફરિયાદ કરી હતી. તેમણે લખેલી ફરિયાદ અક્ષરસઃ જોઈએ તો તેમણે લખ્યું હતું કે, સવિનય ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે અમો મામલતદાર કચેરી કડાણા ખાતે કલાર્ક તરીકે ફરજ બજાવીએ છીએ અમારુ વતન અમદાવાદ છે. મારા પરિવારમાં માત્ર મારા વૃધ્ધ માતાપીતા છે અમો અવારનવાર અમો રજા દિવસે જરૂર જણાયે વતનમાં માતાપીતાની સેવા ચાકરી કરવા માટે જઈએ છીએ મામતદાર કચેરી ધ્વારા કલાર્ક તરીકે અમે ફરજ બજાવીએ છીએ પરંતુ અમારી ઉપરના નાયબ મામતદાર મહેસુલ એ.વી.વલવાઈ / નીલેશ શેઠ અમોને કામ વગરની નોટીસ આપી અમોને હેરાન પરેસાન કરે છે તથા અમો અનુસુચીત જાતિ હિન્દુ વણકરમાંથી આવતા હોય અમોને (આ શબ્દ અહીં દર્શાવી શકાશે નહીં) તે કહીને સંબોધન કરતો હોય છે. વધુમાં જણાવવાનું કે અમારા પ્રાન્ત અધિકારી સંતરામપુર કૌશિક જાદવ સાહેબને કામ વગર પ્રાંન્ત કચેરીનાં બોલાવે છે તથા અમોને કામવગરની નોટિસ આપે છે. બંને અમોને ધમકી આપે છે કે હું તારૂ કરીયર પુરૂ કરી દઈશ. પ્રાંન્ત કચેરી સંતરામપુરમાં ફરજ બજાવતા ઓપરેટર શૈલેશભાઈ પટેલ તેમના અવારનવાર અંગત કામો કરાવતા હોય છે જેની અમોએ ના પાડતા તારૂ કરીયર બગાડી જઈશ તેવી ધમકી આપવામાં આવે છે. આવુ બીજા પણ કર્ચચારી જોડે કરવામાં આવે છે. મામલતદાર કચેરી સંતરામપુર કડાણાના કર્મચારીઓ આવા અધિકારીઓથી હેરાન પરેશાન થઈ ગયેલા છે. પ્રાંન્ત અધિકારી જાદવ તથા શૈલેશભાઈ પટેલની ધમકી વારવાર ધમકી તથા નોટિસથી અમોને હેરાન પરેશાન કરવામાં આવે છે. કચેરીમાં ગ્રાન્ટ હોવા છતા ૨/૩ મહીના સુધી મારો પગાર કરવામાં આવતો નથી. મારા જોડે કચેરીમાં ઉદ્ધતાઈ ભર્યું વંતન કરવામાં આવે છે. ઉકત બાબતે મારી બદલી અંગે કલેકટર કચેરી મહીસાગર લુણાવાડા ખાતે અમો કલેકટર સાહેબ / અધિક કલેકટર સાહેબ સુથાર સાહેબને મળ્યા છે તથા વિગતવાર રજુ કરી છે. વધુ જણાવવાનુ કે પ્રાંન્ત અધિકારી સંતરામપુર તથા શૈલેષ પટેલ જાતે નાગરિકો જોડેથી લાખો રૂપિયા ઉધરાણુ કરતા હોય છે. મધ્યાન ભોજન / પુરવઠા દુકાનદારો પાસે ઓપરેટર શૈલેષ પટેલ લાખો રૂપિયા ઉધરાણાં કરી લોકોને હેરાન કરવામાં આવે છે જે વાત જગ જાહેર છે પરંતુ કોઈ તેમના પર કાર્યવાહી કરતું નથી પરત અમારા જેવા કર્મચારીને હેરાન કરવામાં આવે છે. જેથી અમોને ન્યાય આપવા અમારી વિનંતિ છે તથા આવા લાચીયા અધિકારીઓની બદલી તાત્કાલીક સાઈડ પોસ્ટ ઉપર અથવા તો ઉપર તેમના કાયદેસરાની કાર્યવાહી કરવા વિનંતી છે. અમોને માનસિક ત્રાસના કારણે હેરાન પરેશાન થઈ ગયેલા છે તો અમો કાઈપણ પગલુ ભરીયે તો તેમની સધળી જવાબદારી અમોને હેરાન કરનાર અધિકારીની રહેશે. તથા અમોને ન્યાય આપવા વિનંતિ છે. જે આપ સાહેબને વિદીત થાય આપનો વિશ્વાસુ એ.પી.માળી.
હવે આ સમગ્ર મામલે જ્યારે દલિત સમાજ ન્યાયની માંગ સાથે આકરા પાણીએ છે અને યોગ્ય તપાસ કરી કસૂરવાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવેતો સમગ્ર દલિત સમાજ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર જશે ત્યારે હવે જોવું રહ્યું કે કઈ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે.
ADVERTISEMENT