- પક્ષ છોડવાની અટકળો વચ્ચે લલિત વસોયાની સ્પષ્ટતા
- વીડિયોમાં પક્ષ છોડાવાનો કર્યો ઈનકાર
- કોંગ્રેસ પાર્ટીનું મારા પર ઋણ રહ્યું છે: વસોયા
Loksabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેથી તમામ રાજકીય પક્ષો સુપર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. પક્ષપલટા અને રાજીનામાનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. તાજેતરમાં જ AAPના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી (bhuparat bhayani), કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડા (c.j chavda)એ રાજીનામું આપી દીધું હતું. તો આજે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભાની અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં સામેલ થઈને ભાજપની ટિકિટ પરથી ફરીથી વાઘોડિયા બેઠક ઉપર પેટાચૂંટણી લડવાનો તખ્તો ગોઠવી દીધો છે.
ADVERTISEMENT
પક્ષ છોડવાની અટકળો વચ્ચે લલિત વસોયાની સ્પષ્ટતા
ધર્મેન્દ્રસિંહના રાજીનામા બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયા કોંગ્રેસને રામ-રામ કહીને ભાજપમાં જોડાશે તેવા સમાચાર મીડિયા પ્રકાશિત થતાં લલિત વસોયાએ આ અંગે સ્પષ્ટતા કરી છે. તેઓએ પાર્ટીને છોડવાની ચોખ્ખે-ચોખ્ખી ના પાડી દીધી છે. કોંગ્રેસ નેતા લલિત વસોયાએ કહ્યું કે, હું કોંગ્રેસ છોડું તો મારી જનેતાનું ધાવણ લાજે.
પાર્ટીએ મને ઘણું આપ્યું છેઃ વસોયા
વસોયાએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીનું મારા પર ઋણ રહ્યું છે. મારા દાદાએ કોઈનું ઋણ નહીં રાખવું એવી શીખ આપી હતી. પક્ષનું ઋણ અદા કરવા માટે જ મેં જિલ્લા કોંગ્રેસની જવાબદારી સ્વીકારી હતી. કોંગ્રેસે મને 2017, 2022 વિધાનસભા અને 2019માં લોકસભાની ટિકિટ આપી હતી.
‘નબળા સમયમાં હું પક્ષ સાથે ઉભો રહીશ’
તેમણે જણાવ્યું કે, પાર્ટી હાઈકમાન્ડે મને મને રાજકોટ જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો. કોંગ્રેસના નબળા સમયમાં હું પક્ષની સાથે ઉભો રહીશ. કોંગ્રેસના નબળા સમયમાં પક્ષ છોડું તો મારી જનેતાનું ધાવણ લાજે.
અર્જુન મોઢવાડિયાના સમાચાર થયા હતા વહેતા
આપને જણાવી દઈએ કે, ગઈકાલે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે તેવા સમાચાર મીડિયા પર પ્રકાશિત થયા હતા. જે બાદ તેમણે આ અંગે સ્પષ્ટતા કરીને આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ‘મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસ માં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.’
ADVERTISEMENT