Morbi Bridge Accident: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે SITએ ગઈકાલે જ હાઈકોર્ટમાં પોતાનો તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જયસુખ પટેલ તથા OREVA કંપની અને તેના કર્મચારીઓને જવાબદાર બતાવાયા છે. રિપોર્ટ આવ્યા બાદ જયસુખભાઈ પટેલને સરકાર હોળીનું નાળિયેર બનાવી રહી હોવાની વાત ટંકારા-પડધરીના પૂર્વ ધારાસભ્ય લાલિતભાઈ કગથરા કરી રહ્યા છે.
ADVERTISEMENT
‘જયસુખલાલાને ટિકિટના અભરખા નહોતા’
લાલિતભાઈ એ કહ્યું કે, જ્યારથી આ ઘટના બની છે ત્યારથી હું કહેતો આવ્યો છું કે જયસુખભાઈ પટેલ નિર્દોષ છે. દોષીઓને પકડો. જેતે સમયના કલેક્ટર અને ચીફ ઓફિસર જેને પરમિશન આપી છે એ લોકોની સામે આજ તારીખ સુધી કોઈ કાર્યવાહી થતી નથી. SIT ગુજરાત સરકારે રચેલી છે એ ધારે એ તપાસ કરી શકે એની ધારણાથી એની તપાસમાં જયસુખભાઈને દોષી બતાવ્યા છે. હું સ્પષ્ટપણે માનું છું કે જયસુખલાલને એવી કોઈ ટિકિટના અભરખા ન હતા. જયસુખભાઈ અને તેમના પિતાએ કરોડો રૂપિયાના દાન કર્યા છે જયસુખભાઈનો કોઈ કમાવવા માટેનો મોટિવ ન હતો. એણે તો મોરબીને જે વારસામાં પુલ મળ્યો હતો એ મોરબીની અસ્મિતાને બચાવવા માટે ઝૂલતા પુલમાં પોતાના પૈસા રોક્યા હતા.
સરકાર ફસાવતી હોવાનો દાવો
આ મોરબીને એમણે ભેટ આપી હતી. કમનસીબે દુર્ઘટના બની. કોઈ મોટી હોસ્પિટલ બનાવે એમાં દાન આપે. ન કરે નારાયણ અને એમાં આગ લાગે અને માણસો મરી જાય તો એમાં દાન દેવા વાળા નો વાંક! કાલે હું બહુ મોટું જમણવાર કરવા જઈ રહ્યો છું અને તેમાં ગરોળી પડી જાય અને માણસોને ફૂડ પોઇઝન થઈ જાય અને 50 માણસો મરી જાય તો મેં જમણવાર કર્યો એનો વાંક. આ સરકાર જયસુખભાઈને ખોટી રીતે ફિટ કરી રહી છે. હું સ્પષ્ટપણે માનું છું કે જયસુખભાઈ નિર્દોષ છે, નિર્દોષ છે અને નિર્દોષ છે.
નોંધનીય છે કે, હાલમાં મોરારી બાપુનો કથાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ કહે છે, આરોપીના બાળકો સારી રીતે દિવાળી ઉજવે તેવું કંઇક થાય તેવું ઇચ્છીએ. જે અંગે લોકો દ્વારા રામકથા થકી મોરારીબાપુ દ્વારા આોપી જયસુખ પટેલ અને સાગરિતોને બચાવવાનો પરોક્ષ રીતે પ્રયાસ થઇ રહ્યો હોવાનુ લાગી રહ્યું છે. જે બાદ લોકોએ નિવેદનની ટિકા કરતા સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.
(રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT