ભાર્ગવી જોશી/જૂનાગઢ : ગુજરાતમાં ગઢ ગીરનારની પરિક્રમા દર વરસે કાર્તક મહિનાની અગિયારસ થી પુનમ સુધી યોજાય છે. આ વર્ષે 4 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી યોજાનાર આ પરિક્રમા અંગે જિલ્લા કલેક્ટર મીટીંગો કરી દરેક વિભાગની તૈયારીઓની માહિતી મેળવી રહ્યા છે. ઉપરાંત પરિક્રમાવાસીઓને કોઈ મુશ્કિલ ન પડે તે માટેની તૈયારીઓ કરી રહ્યા છે. સમગ્ર તંત્ર હાલ પરિક્રમા અને ચૂંટણી બંન્નેને ધ્યાને લઇને પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. બમ બમ ભોલે અને જય ગિરનારીના નારા સાથે કરવામાં આવતી આ પરિક્રમા ભાવ,ભક્તિ ભોજન અને ભજનનો અનેરો પુણ્યનો લ્હાવો છે.
ADVERTISEMENT
યાત્રામાં આવનારાને કોઇ સમસ્યા ન થાય તે જવાબદારી
પરિક્રમામાં આવનાર તમામ યાત્રિઓ સુખરૂપ આ પરિક્રમા કરી શકે એ માટે તંત્ર સજ્જ છે. જિલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં જ પરિક્રમા રૂટ પર જરૂરી વસ્તુઓ કેવી રીતે ઝડપથી પહોંચી શકે,પીવાના પાણી ની પૂરતી સુવિધા, વીજળી, રસ્તાની સ્થતિ, અમુક અંતરે શૌચલય, સ્વચ્છતા જાળવવાના પ્રયાસો, ટ્રાફિક સમસ્યા, લોકોનું સંરક્ષણ જેવા મુદ્દાઓ લઇ સમગ્ર વિભાગના સંલગ્ન અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી.
ત્રણ વર્ષ બાદ પરિક્રમા યોજાવા જઇ રહી છે
કોરોના બાદ ત્રણ વરસે આ પરિક્રમા યોજાઈ રહી છે. ગત વરસે પરિક્રમામાં કોરોના અંગે ગાઇડલાઈન હોવા છતાં થઈ 2 થી 4 લાખ લોકો આવી પહોંચ્યા હતા અને તંત્રએ નમતું જોખી પરિક્રમા કરવા દેવી પડી હતી. પરિણામે યાત્રિકોને પારાવાર મુશ્કિલ પડી હતી. જો કે આ વર્ષે તંત્ર સજાગ છે અને અત્યારથી જ સમગ્ર આયોજન ક્રમબદ્ધ થઈ રહ્યું હોય યાત્રિકોને મુશ્કેલી નહી પડે.
36 કિલોમીટરની પરંતુ ખુબ જ કઠીન છે યાત્રા
પરિક્રમા અંદાજે 36 કિલોમીટરની હોય છે જે ઇટવાની ઘોડી, નળ પાણીની ઘોડી, માળવેલાની ઘોડી જેવા કપરા ચઢાણ સાથે કરવાની હોય છે. ગિરનાર પહાડની પરિક્રમા કરવી આસ્થા,વિશ્વાસ અને શ્રધ્ધાની વાત છે. 33 કોટી દેવતાઓની આ ભૂમિ પર દેવ જ શક્તિ પ્રદાન કરે છે. 80થી 90 વરસના વૃદ્ધો જીવનમાં 50 થી વધુ વખત આ પરિક્રમા કરી ચૂક્યા હોય છે. જંગલી જીવો વચ્ચે રાત પસાર કરવાની,પ્રકૃતિને ખોળે આનંદ કરવાની , ખળખળ વહેતી નદીઓ ઝરણાંમાં વહેતા પાણી વચ્ચે રહેવાની મજા સાથે ભક્તિમય વાતાવરણમાં થતી આ પદયાત્રા સદીઓથી ચાલી આવતી પરંપરા છે.
કોરોના કાળમાં ગણ્યા ગાંઠ્યા લોકો જ કરી શક્યા પરિક્રમા
કોરોનાકાળ દરમિયાન યાત્રાઓ અવરીત ચાલતી રહી પરંપરા જળવાતી રહી. લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરતા કેટલાક લોકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી. પરંતુ આ વરસે પરિક્રમા માટે લગભગ દસથી પંદર લાખ લોકો આવે એવી સંભાવનાને જોતા પ્રશાસન પૂર્વતૈયારી કરી રહ્યું છે. જરૂરી સેવાઓ, પોલીસ બંદોબસ્ત, વન્યજીવોને દુર ખસેડવા, લોક જાગૃતતા માટે બેનરો લગાવવા અને સૂચનો કે નોટિસ બોર્ડ મૂકવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ચેકપોસ્ટ ક્યાં ક્યાં શરૂ કરવા, એસ ટી બસ અને પ્રાઇવેટ વાહનોની વ્યવસ્થા તથા રૂટ નક્કી કરવા જેવા અનેક નિર્ણયો લેવા માટે મીટીંગો કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT