જામનગરમાં યોજાઈ અનોખી મોદક સ્પર્ધા, ભાણવડના રમેશભાઈ 100 ગ્રામના 12 લાડુ ખાઈ બન્યા વિજેતા

દર્શન ઠક્કર/જામનગર: બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 13 વર્ષથી દરવર્ષ ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ આ…

gujarattak
follow google news

દર્શન ઠક્કર/જામનગર: બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 13 વર્ષથી દરવર્ષ ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ આ આયોજન સંસ્કૃત પાઠશાલા ખાતે કરવામાં આવ્યું હતું. શુદ્ધ ઘીનો 100 ગ્રામનો એક એવા સૌથી વધુ લાડુ અને તેની સાથે દાળ આરોગનાર સ્પર્ધકને સન્માનિત કરવામાં આવ્યા હતા. એક બાદ એક બીજાથી વધુ લાડુ આરોગતા સ્પર્ધકો જે રીતે ઝડપ ભેર લાડુ આરોગી રહ્યા હતા તેને જોવા પણ એક લ્હાવો હતો.

ગણેશ ચતુર્થીના દિવસે 13 વર્ષથી યોજાય છે લાડુ સ્પર્ધા
જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે દર વર્ષે મોદક એટલે કે ગણેશજીના પ્રિય લાડુ આરોગવાની સ્પર્ધા થાય છે. છેલ્લા 13 વર્ષથી આ મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર ભરમાંથી સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લે છે. જેમાં આજે 26 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, મહિલાઓ, બાળકો અને પુરુષોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 100 ગ્રામનો મોદક, જેમાં 10 ગ્રામ ચોખ્ખું ઘી, સૂકોમેવો, એમાં પણ ચણાના લોટનો ડાબો દેવામાં આવે છે. ખાસ કરીને આ મોદક સ્પર્ધકોને દાળ સાથે પીરસવામાં આવે છે. કારણ કે, અગાઉના બ્રાહ્મણોની આ પરંપરા હતી અને હજુ પણ તે જાળવી રાખવામાં આવી છે અને આ સ્પર્ધા દરેક સમાજના લોકો માટે રાખવામાં આવે છે.

26 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
આ સ્પર્ધામાં કુલ 26 સ્પર્ધકો એ ભાગ લીધો હતો અને લાડુ દાબ્યા હતા. જેમાં સૌથી વધુ 12 લાડુ આરોગી ભાણવડના રમેશ જોટગિયા પ્રથમ તો મહિલાઓમાં પદ્મિની ગજેરા 9 લાડુ આરોગ્ય હતા. તો બાળકોમાં ઓમ જોશીએ 5 લાડુ આરોગ્યા હતા. આમ આજની આ અનોખી મોદક આરોગવાની સ્પર્ધા ઓછા સ્પર્ધકો વચ્ચે પણ ભારે રસાકસી વાળી બની હતી.

બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા સ્પર્ધાનું આયોજન
જામનગરમા ગણેશ ચતુર્થી નિમિતે દર વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા, બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવે છે. જેમાં સોરાષ્ટ્રભરના સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લે છે અને ખાસ તો આ મોદક એ પ્રકારના તૈયાર થાય છે કે જેનાથી સ્પર્ધકો, લોકોના આરોગ્યને કોઈપણ પ્રકારે નુકશાન ન થાય. ત્યારે આજે યોજાયેલ આ સ્પર્ધામાં, બાળકો, મહિલાઓ તેમજ યુવાઓ અને વડીલોએ ભાગ લઈ ગણેશજીના પ્રિય મોદક આરોગ્યા હતા.

    follow whatsapp