કૌશિક કાંઠેચા/કચ્છ: કચ્છ યુનિવર્સિટીના અણઘડ વહીવટના કારણે સતત ત્રીજા વર્ષે વિદ્યાર્થીઓ કરોડો રૂપિયાની રાષ્ટ્રીય કક્ષાની ફેલોશિપ ગુમાવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. કચ્છ યુનિવર્સિટીમાં PhD અભ્યાસ માટે છેલ્લા ત્રણ વર્ષથી ભરતી અટકેલી છે. ત્યારે આ વર્ષે અનેક વિઘ્નો વચ્ચે પ્રવેશ પરીક્ષા લેવાયા બાદ ફરી પ્રવેશ પ્રક્રિયા ટલ્લે ચઢી ગઈ છે. આ કારણે સતત ત્રીજા વર્ષે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની ફેલોશિપ ગુમાવશે.
ADVERTISEMENT
કચ્છની એકમાત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અનેક સમસ્યાઓના ઘેરામાં અટવાયેલી છે. યુનિવર્સિટીમાં સંશોધન સૌથી મહત્વનું કાર્ય હોય છે, ત્યારે વિવિધ વિષયોમાં સંશોધન કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના પાપે PHDમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે. વર્ષ 2021થી કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને PhDમાં પ્રવેશ મળ્યું નથી. અનેક અવરોધો દૂર કર્યા બાદ ગત જાન્યુઆરી મહિનામાં યુનિવર્સિટી દ્વારા 2021થી બાકી રહેલી PhD પરીક્ષા લેવામાં આવી હતી જેમાં કુલ 487 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષાના પરિણામો પણ જાહેર થયા પરંતુ યુનિવર્સિટીના બોર્ડ ઓફ યુનિવર્સિટી ટિચિંગ એન્ડ રિસર્ચ (BUTR)ના અમુક સભ્યો દ્વારા તેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના પરિપત્રનો ભંગ થતો હોવાનો જણાવી પ્રક્રિયા અટકાવી હતી.
UGCના નિયમ મુજબ ફક્ત પોસ્ટ ગ્રેજ્યુએશન કોલેજના પ્રોફેસર જ PhDમાં ગાઈડ બની શકે છે જ્યારે કે યુનિવર્સિટી દ્વારા 30 જેટલા અંડર ગ્રેજ્યુએશન કોલેજના પ્રોફેસરને ગાઈડ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. છેવટે અનેક ચર્ચાઓ, વિદ્યાર્થી પરિષદની ઉગ્ર રજૂઆત અને રાજકારણીઓની મધ્યસ્થી બાદ યુનિવર્સિટી દ્વારા તેનો ઉકેલ કાઢવામાં આવ્યો હતો. ગત મહિનાની 15 તારીખે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવાયો હતો કે જૂના ગાઈડને માન્ય રાખવામાં આવશે અને અન્ય ગાઈડની UGCના નિયમાનુસાર સ્ક્રુટીની કરી લાયક પ્રોફેસરોને ગાઈડ તરીકે જવાબદારી આપવામાં આવશે. જો કે, આ ઉકેલ આવ્યાના 20 દિવસ બાદ પણ હજુ પ્રવેશ પ્રક્રિયા આગળ વધી નથી. પરીક્ષા બાદ યોજાતા ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે તારીખો જાહેર કરાઈ નથી.
યુનિવર્સીટી દ્વારા આ પ્રવેશ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ ન કરાતાં રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વપૂર્ણ એવી વિવિધ ફેલોશિપ વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી ગુમાવી રહ્યા છે. આ વિવિધ ફેલોશિપ અંતર્ગત સરકાર વિદ્યાર્થીઓને અલગ અલગ સમયગાળા દરમ્યાન દર મહિને સંશોધન કરવા આર્થિક સહાય આપે છે. આ વર્ષે પણ રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ માટે અરજી કરવાની તારીખ નીકળી ગઈ છે, તો ઇન્સ્પાયર અને મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ માટે અરજી કરવાની અંતિમ તારીખો પણ નજીક આવી રહી છે.
ગુજરાત સરકારની શોધ ફેલોશિપની અંતિમ તારીખ પણ આ વર્ષે 31 જાન્યુઆરીથી વધારી 28 ફેબ્રુઆરી કરવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓએ આ વર્ષે તે પણ ગુમાવી છે. દર વર્ષે કચ્છ યુનિવર્સિટીના લગભગ 40થી 50 વિદ્યાર્થીઓ આવી વિવિધ ફેલોશિપનું લાભ લેતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી PhDમાં પ્રવેશ ન થતાં વિદ્યાર્થીઓએ કરોડો રૂપિયાની ફેલોશિપ ગુમાવી છે. આ વર્ષે ફરી કચ્છના વિદ્યાર્થીઓ કરોડો રૂપિયાની ફેલોશિપ ગુમાવશે.
કચ્છ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. પી.એસ. હિરાણીએ જણાવ્યું હતું કે, “BUTR દ્વારા આંશિક અનુમતિ આપવામાં આવી છે અને ગત અઠવાડિયે અમે શિક્ષણ વિભાગ પાસેથી પ્રવેશ પ્રક્રિયા આગળ ધપાવવાની કામગીરી શરૂ કરવા મંજૂરી પણ માંગી છે. રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ જ આ પ્રક્રિયા આગળ વધશે.”
ADVERTISEMENT