Gujarat Cold Wave: ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો, આ જિલ્લાની તમામ સ્કૂલો મોડી શરૂ કરવાનો આદેશ

Kutch Cold Wave: ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીના કારણે તાપણા અને સ્વેટર પહેરીને લોકો બહાર નીકળતા હોય છે.…

gujarattak
follow google news

Kutch Cold Wave: ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીના કારણે તાપણા અને સ્વેટર પહેરીને લોકો બહાર નીકળતા હોય છે. રાજ્યમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. નલિયામાં સૌથી ઓછું 9.2 ડિગ્રી તાપમાન નોંધાતા સવારે શાળાએ જતા બાળકોના સમયમાં કચ્છ જિલ્લામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તમામ શાળાઓ 30 મિનિટ મોડી શરૂ થશે

કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તથા સરકારી શાળામાં સવારની પાળીના સમયમાં અડધો કલાકનો ફેરફાર કરવામાં આવ્યા છે. તમામ શાળાઓ ઠંડીના પગલે 30 મિનિટ મોડી શરૂ કરાશે. ઠંડીના ચમકારાના કારણે વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવી છે.

રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

નોંધનીય છે કે, ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. સતત બીજા દિવસે નલિયા 9.2 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું હતું. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરીએ તો પોરબંદરમાં 13.4 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી, ભુજમાં 14.8 ડિગ્રી, અમદાવાદમાં 16.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, સુરતમાં 19.4 ડિગ્રી અને વડોદરામાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    follow whatsapp