Kutch News: સ્વામિનારાયણના સાધુનો ફરી એકવાર વિવાદિત નિવેદનનો મામલો સામે આવ્યો છે. હાલમાં જ PM આવાસ યોજનાના ઈ-લોકાર્પણનો કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છના રાપરમાં ચિત્રોડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુકુળના કે.પી સ્વામીએ દેવી-દેવતાઓના નામ બોલાવી જયઘોષની સાથે પાકિસ્તાની પણ જય બોલાવી દીધી હતી. જેને લઈને સભાના મંડપમાં હાજર લોકોમાં પણ થોડીવાર માટે સોપો પડી ગયો હતો. સ્વામીનો વીડિયો પણ હાલમાં વાઈરલ થયો છે.
ADVERTISEMENT
આવાસ યોજનાના કાર્યક્રમમાં પાકિસ્તાનની જય બોલાવાઈ
રાપરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના મેદાનમાં PM આવાસ યોજનાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દરમિયાન કે.પી સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી અને પછી પાકિસ્તાન કી... બોલતા લોકોએ પાકિસ્તાનનો જયકારો બોલાવી દીધો હતો. લોકોએ પણ સ્વામીની વાતમાં આવીને જયકારો બોલી નાખ્યો. સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ભાજપના આગેવાનોની હાજરીમાં આ પ્રકારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. બાદમાં સ્વામીએ કહ્યું કે, અનાજ ભારતનું ખાવ છો, ભારતની માટી પર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ન આવી તમને? સ્વીમીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયમાં ફરતો થઈ ગયો છે.
વીડિયો આવ્યા બાદ કે.પી સ્વામીએ શું કહ્યું?
વાઈરલ વીડિયો પર સ્વામીએ પ્રતિક્રિયા પણ આપી છે અને કહ્યું છે કે, આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનામાં કેટલા લોકો સચેત છે એવા ભાવ સાથે મેં જય બોલાવી હતી, મારો ભાવાર્થ ખોટો નહોતો. કોઈએ વીડિયો કાપીને મને બદનામ કર્યો છે. સંપૂર્ણ વીડિયોમાં મેં દેશભક્તિની વાત કરી હતી.
(ઈનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ)
ADVERTISEMENT