Kutch News: ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે અત્યાર સુધી કારમાંથી અને ઘરમાંથી દારૂની બોટલો મળી આવતી હતી. હવે જેલમાંથી પણ દારૂની બોટલો મળી રહી છે. કચ્છમાં જેલની અંદર દારૂની મહેફિલની જાણકારી મળતા LCBની રેડ પડી હતી. જેમાં 6 જેટલા કેદીઓ કેફી પીણુ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આટલું જ નહીં જેલમાંથી 50,000 રૂપિયા રોકડા તથા મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. આ ઘટના બાદ હવે સરકાર હરકતમાં આવી છે અને જેલર સહિત 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જેલમાં કેદીઓની દારૂ પાર્ટી
વિગતો મુજબ, કચ્છના ગાંધીધામમાં ગળપાદર જેલમાં બોર્ડર રેન્જ IGના આદેશ પર આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ અડધી રાત્રે દરોડા પાડ્યા હતા. બેરેકની તપાસ દરમિયાન જેલમાંથી 6 જેટલા કેદીઓ નશાની હાલતમાં ઝડપાયા હતા. આ કેદીમાં બુટલેગર યુવરાજસિંહ ઉપરાંત અન્ય કેદીઓ પણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસને દારૂની બોટલ પણ મળી આવી હતી. આ ઉપરાંત બેરેકમાંથી બે iPhone સહિત 4 મોબાઈલ ફોન તથા બે ચાર્જર મળી આવ્યા હતા.
બેરેકની અંદર કેવી રીતે પહોંચ્યો દારૂ?
પોલીસ હાલમાં પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેસનમાં 6 અલગ ફરિયાદો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં એકબાજુ કડક દારૂ બંધી છે તો જેલની અંદર દારૂ કેવી રીતે પહોંચ્યો. કોની મદદથી કેદીઓ બેરોકટોક જેલની અંદર દારની મહેફિલ માણી રહ્યા હતા? જેલમાં આ દારૂની મહેફિલ કેટલા સમયથી ચાલી રહી હતી. શું કોઈ કર્મચારીની પણ આમા સંડોવણી છે? આ બધા સવાલોના જવાબ તો હવે પોલીસની તપાસ બાદ જ સામે આવશે.
ADVERTISEMENT